Gujarat

લોધિકામાં ઠંડુ તો બેડલામાં જોરદાર મતદાન, ભાજપના ગઢમાં ગાબડું પડશે કે જળવાશે સત્તા

રાજકોટ જિલ્લા પંચાયત અને જિલ્લાની 11 તાલુકા પંચાયતોની ચૂંટણીનું મતદાન પૂર્ણ થતાની સાથે જ હવે પરિણામોને લઈને રાજકીય વિશ્લેષકો અને પક્ષોમાં ભારે ઉત્તેજના છે. આ વખતે જિલ્લા પંચાયતમાં નોંધાયેલું 58.98 ટકા મતદાન, જે ગત ચૂંટણી કરતા 4.49 ટકા જેટલું ઓછું છે, તે સત્તાધારી પક્ષ અને વિપક્ષ બંને માટે ચિંતાનો વિષય બન્યું છે.

ખાસ તો ગ્રામીણ વિસ્તારોમાં મતદારોની નિરસતા અથવા તો બદલાયેલા મિજાજની અસર બેઠકોના પરિણામ પર સીધી જોવા મળી શકે છે. ભાજપ માટે પોતાની ગત ટર્મની 30 બેઠકો જાળવી રાખવી આ વખતે પડકારજનક મનાઈ રહ્યું છે કારણ કે, ત્રિપાંખીયા જંગને કારણે મતોનું ધ્રુવીકરણ થવાની પૂરી સંભાવના છે.

એક ડઝન જેટલી બેઠકો પર હાર-જીતનું અંતર ઘણું ઓછું રહેવાની શક્યતા રાજકોટ જિલ્લા પંચાયતની ગત ટર્મમાં ભાજપ પાસે 36માંથી 30 બેઠકોનું જંગી સંખ્યાબળ હતું. આ વખતે જે પ્રકારે મતદાનમાં ઘટાડો થયો છે અને ત્રિપાંખીયો જંગ ખેલાયો છે, તે જોતા ભાજપ માટે અનેક બેઠકો ‘ડેન્જર ઝોન’માં ગણાઈ રહી છે.

ખાસ કરીને પડધરી, દડવી, આણંદપર, અને સરધાર મુખ્ય છે. આ ઉપરાંત લોધિકા, જસદણ અને વિંછીયા પંથકની અંદાજે એક ડઝન જેટલી બેઠકો પર હાર-જીતનું અંતર ઘણું ઓછું રહેવાની શક્યતા છે. આ પંથકમાં સ્થાનિક સમીકરણો અને જ્ઞાતિવાદના ફેક્ટર પણ ભાગ ભજવતા હોય છે.

છેલ્લી 1 કલાકમાં અચાનક મતદાનમાં ઉછાળો આવ્યો રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠકો પર થયેલા મતદાનની વિગતો તપાસતા માલૂમ પડે છે કે, મતદારોનો ઉત્સાહ દરેક વિસ્તારમાં એકસરખો રહ્યો નથી. બેડલા બેઠક પર સૌથી વધુ 75.31 ટકા મતદાન નોંધાયું છે, જે દર્શાવે છે કે ત્યાં સ્થાનિક પ્રશ્નો અથવા ઉમેદવારોની પસંદગીમાં મતદારો ખૂબ જ સક્રિય રહ્યા છે.

તેની સામે લોધિકા બેઠક પર માત્ર 41.41 ટકા જેવું નીચું મતદાન નોંધાયું છે. લોધિકામાં આટલા નીચા મતદાન પાછળ મતદારોની નિરસતા અથવા કોઈ છૂપો વિરોધ હોય એવી ચર્ચાઓ શરૂ થઈ છે તો જામકંડોરણાના દડવી બેઠક પર એક વિચિત્ર વળાંક જોવા મળ્યો હતો.