Gujarat

મંત્રી પરસોત્તમ સોલંકીએ શિવા ગોહિલને જાહેરમાં ઝાટક્યા

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના માળિયા ગામે યોજાયેલા કોળી સમાજના સમૂહ લગ્નમાં રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમ સોલંકીએ સ્થાનિક ધારાસભ્ય શિવા ગોહિલની ગેરહાજરી મુદ્દે જાહેરમાં નારાજગી વ્યક્ત કરી રાજકીય ગરમાવો લાવી દીધો છે. મંત્રીએ જાહેર મંચ પરથી ધારાસભ્યને આડે હાથ લેતા ભાજપના આંતરિક વર્તુળોમાં પણ આ નિવેદનની ચર્ચાઓ તેજ બની છે.

સમૂહ લગ્નમાં મંત્રીની હાજરીમાં ધારાસભ્યની ગેરહાજરીથી વિવાદ માળિયા ગામે આયોજિત કોળી સમાજના સમૂહ લગ્નમાં મંત્રી પરસોત્તમ સોલંકી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત હતા. કાર્યક્રમ દરમિયાન મહુવાના ધારાસભ્ય શિવા ગોહિલની ગેરહાજરીને લઈને મંત્રીએ રોષ ઠાલવ્યો હતો. પોતાના સંબોધનમાં મંત્રીએ ધારાસભ્યનું નામ જોગ ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, આવા મોટા સામાજિક પ્રસંગમાં હાજરી આપવી જરૂરી છે, પરંતુ ધારાસભ્ય કેમ ગેરહાજર છે?

તમને કોણે જીતાડ્યા તે યાદ રાખો: પરસોત્તમ સોલંકી મંત્રીએ ધારાસભ્ય શિવા ગોહિલને આકરા શબ્દોમાં સંભળાવતા કહ્યું કે, ચૂંટણી સમયે જે સમાજ અને લોકોએ તમને જીતાડ્યા છે, જો તમે તેમને જ ભૂલી જશો તો તે યોગ્ય નથી. ચૂંટણી નજીક આવે ત્યારે મારા ભાવનગરના બંગલે જમવા અને મદદની અપેક્ષાએ મારી રાહ જોતા બેઠા હોવ છો, પરંતુ હવે સમાજના કામમાં ગેરહાજર રહેવું તે ગંભીર બાબત છે.

નાણાકીય સંપત્તિ મુદ્દે પણ કર્યા આકરા પ્રહાર રાજકીય મર્યાદાઓ ઓળંગીને મંત્રીએ ધારાસભ્યની અંગત કમાણી અને સંપત્તિ મુદ્દે પણ ટિપ્પણી કરી હતી. મંચ પરથી જાહેરમાં ધારાસભ્યને સંબોધતા મંત્રીએ કહ્યું કે, “ઘણું કમાયા છો, હવે છુપાવવાની જરૂર નથી. તમે ક્યાં પૈસા રાખો છો અને શું કરો છો તેની અમને જાણ છે.

મંત્રીના આ નિવેદન બાદ ભાજપના નેતાઓમાં જ રાજકીય ખેંચતાણ જોવા મળી રહી છે. એક તરફ મંત્રી દ્વારા ધારાસભ્યની જાહેરમાં થયેલી ઝાટકણી બાદ સ્થાનિક રાજકારણમાં વિરોધાભાસી ચર્ચાઓ શરૂ થઈ છે, ત્યારે આગામી સમયમાં આ મુદ્દો કયું વળાંક લેશે તે જોવું રહ્યું.