Gujarat

ડિજિટલ વેલીમાં ભીષણ આગ, 2 KM દૂર ધુમાડાના ગોટેગોટા દેખાયા

સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલી ડિજિટલ વેલી પાસે સાંજના સમયે આગની ઘટના બનતા અફરાતફરી મચી ગઈ હતી. સાયબર સિટી બિલ્ડિંગની સામે આવેલા એક ખુલ્લા મેદાનમાં એકઠા કરવામાં આવેલા કચરાના જંગી જથ્થામાં અચાનક આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના કાળા ધુમાડાના ગોટેગોટા બે કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ જોઈ શકાતા હતા.

હાઈરાઈઝ બિલ્ડિંગોમાં ધુમાડો ઘૂસતા લોકોના શ્વાસ અધ્ધર થયા ખુલ્લા મેદાનમાં લાગેલી આ આગના કારણે આસપાસમાં આવેલી હાઈરાઈઝ બિલ્ડિંગોમાં ધુમાડો ઘૂસવા લાગ્યો હતો, જેના કારણે સ્થાનિક રહીશોમાં ગભરાટ ફેલાયો હતો. આગની તીવ્રતા જોતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. સાંજે 6:33 વાગ્યે ફાયર કંટ્રોલ રૂમને કોલ મળતા જ કાફલો રવાના થયો હતો.

4 સ્ટેશનની 8 ગાડીઓએ પાણીનો મારો ચલાવ્યો ઘટનાની ગંભીરતાને જોતા મોટા વરાછા સહિત આસપાસના કુલ 4 ફાયર સ્ટેશનની 8 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરના જવાનોએ ચારે બાજુથી પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ અડધા કલાકમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.