Gujarat

રાજકોટમાં છરીના ઘા વાગેલા બે યુવક મળ્યાં, એકનું મોત

રાજકોટ શહેરના વાવડી રોડ પર આજે 29 એપ્રિલની વહેલી સવારે લૂંટ અને હત્યાની ગંભીર ઘટના સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે. પુનિત નગર સર્કલ પાસે લૂંટારૂઓએ 21 વર્ષીય સંતોષ જમાર નામના યુવકને છરીના ઘા મારીને લૂંટી લીધો હતો, જ્યારે તેની નજીકથી જ એક યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ ફેલાઈ ગયો છે.

ત્રણ અજાણ્યા શખસોએ 20 હજાર લૂંટ્યા શહેરના વાવડી રોડ પર આવેલા ફાલ્કન કંપનીના કારખાનામાં કામ કરતા 21 વર્ષીય સંતોષ મદનલાલ જમાર આજે વહેલી સવારે પોતાનું ટુ-વ્હીલર લઈને પુનિત નગર સર્કલ પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે બાઈક પર આવેલા ત્રણ અજાણ્યા શખસોએ તેને આંતરીને તેની પાસે રહેલા 20 હજાર રૂપિયા લૂંટી લીધા હતા.

મૂળ અલ્હાબાદ (પ્રયાગરાજ)ના વતની સંતોષે આ લૂંટનો પ્રતિકાર કરતા આરોપીઓએ તેના પર છરી વડે હુમલો કરી વાંસા અને કમરના ભાગે 6 જેટલા ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઘાયલ સંતોષને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સંતોષ પોતાના વતન જવા માટે નીકળ્યો હતો અને આ માટે તેણે પોતાના શેઠ પાસેથી 17 હજાર રૂપિયા માંગ્યા હતા, જે તે લઈને જઈ રહ્યો હતો ત્યારે જ રસ્તામાં આ લૂંટ થઈ હતી.

નજીકમાંથી મળ્યો અન્ય અજાણ્યા યુવકનો મૃતદેહ આ ઘટનાની તપાસ ચાલુ હતી તે દરમિયાન જ પુનિત નગર સર્કલ પાસે મામા સાહેબના મંદિર નજીક આવેલા એક ખાડામાંથી 32 વર્ષીય એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. તેના શરીર પર પણ છરીના નિશાન જોવા મળ્યા છે. આ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.