ગોંડલ નગરપાલિકા તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતની તાજેતરની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવ્યો છે. આ ઐતિહાસિક જીતની ઉજવણી અને મતદારોનો આભાર માનવા માટે ગોંડલ શહેર અને તાલુકા ભાજપ દ્વારા કોલેજ ચોક ખાતે એક વિશાળ ‘આભાર દર્શન’ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ સભામાં ધારાસભ્ય ગીતાબા જાડેજા અને યુવા અગ્રણી ગણેશ ગોંડલ સહિતના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ગોંડલ યુવા મોરચા દ્વારા નેતાઓનું ફૂલોથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વિજેતા બનેલા તમામ ઉમેદવારોને 44 કમળના ફૂલ અને હાર પહેરાવી સન્માનિત કરાયા હતા.

સભાને સંબોધતા મિત્તલબેન ધાનાણીએ વિરોધ પક્ષ પર પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે, ગોંડલની જનતાએ સાબિત કરી દીધું છે કે તેમને મફતની રેવડી નહીં, પરંતુ આત્મનિર્ભર ગોંડલ જોઈએ છે. તેમણે ઉમેર્યું કે, વિપક્ષ ભલે વિકાસની વાતો કરતું હોય, પરંતુ 44 કમળ ખીલાવીને જનતાએ જાડેજા પરિવાર પર વિશ્વાસ મૂક્યો છે.

