Gujarat

ડભોઇ રેલવે સ્ટેશનનો મુખ્ય ગેટ બન્યો ડેન્જર ઝોન, અકસ્માતને ખુલ્લું આમંત્રણ

ડભોઇ રેલ્વે સ્ટેશનના બહારના ભાગે બનાવવામાં આવેલો નવો મુખ્ય ગેટ હાલ વાહનચાલકો અને મુસાફરો માટે આશીર્વાદને બદલે આફત સમાન સાબિત થઈ રહ્યો છે. રેલ્વે સ્ટેશનમાંથી બહાર નીકળતા વાહનચાલકો માટે આ ગેટ જાણે અકસ્માતને સીધું આમંત્રણ આપી રહ્યો હોય તેવી ગંભીર સ્થિતિનું નિર્માણ થયું છે. જેના કારણે સ્થાનિકો અને મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

મુખ્ય ગેટની બિલકુલ બાજુમાં આવેલી ઊંચી દીવાલના કારણે સ્ટેશનની અંદરથી બહાર નીકળતા વાહનચાલકોને રોડની ડાબી કે જમણી બાજુથી આવતા અન્ય વાહનો બિલકુલ દેખાતા નથી. આ બ્લાઈન્ડ સ્પોટના કારણે અચાનક વાહનો સામસામે આવી જાય છે.

ગેટની આસપાસ કે મુખ્ય રોડ પર વાહનોની ગતિ ધીમી પાડવા માટે કોઈ મોટા કે યોગ્ય સ્પીડ બ્રેકર (બમ્પર) મૂકવામાં આવ્યા નથી. જેના કારણે રોડ પરથી પસાર થતા વાહનો પૂરપાટ ઝડપે નીકળે છે અને સ્ટેશનમાંથી બહાર નીકળતા વાહનો સાથે ભટકાઈ જાય છે.​

વાહનચાલકો અને મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રેલ્વે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે અહીં ચોક્કસ આયોજન કરવું જરૂરી બન્યું છે. ગેટ પાસે વ્યુ ક્લિયર થાય તેવી વ્યવસ્થા કરવી અથવા ત્યાં મોટા સ્પીડ બ્રેકર અને ‘અકસ્માત ઝોન’ના સાઇનબોર્ડ લગાવવા અનિવાર્ય છે. હવે જોવાનું એ રહ્યું કે કોઈ માસૂમ વ્યક્તિ આ નબળી વ્યવસ્થાનો ભોગ બને તે પહેલા રેલ્વે તંત્ર જાગશે ખરું ?