પાલનપુર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ હનુમાન ટેકરી નજીક આવેલા ચિનુવિલામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ ગુનામાં રાજસ્થાનની બાગરીયા ગેંગના એક સાગરીત રાકેશ ઘીસાલાલ બાગરીયાને ઝડપી પાડવામાં આવ્યો છે. આ ગેંગ બંધ મકાનોમાં ચોરી કરવા માટે ટ્રેલર ટ્રકનો ઉપયોગ કરતી હતી.
ગત 19 મે, 2026 ના રોજ પાલનપુર-આબુરોડ હાઈવે પરના ચિનુવિલા મકાનમાં ચોરી થઈ હતી. બપોરના સમયે અજાણ્યા ઈસમોએ મકાનના ગેટ કૂદીને પ્રવેશ કર્યો હતો. તેઓએ મુખ્ય દરવાજાની લોખંડની જાળીનો નકુચો અને લાકડાના મેઈન દરવાજાનું લોક તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. બેડરૂમના કબાટમાંથી આશરે 1500 ગ્રામ વજનના ચાંદીના ગ્લાસ, વાટકી, ટ્રે, બોટલ અને સિક્કા સહિત કુલ 65,000 રૂપિયાનો મુદ્દામાલ ચોરી થયો હતો. આ અંગે પાલનપુર શહેર પશ્વિમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
બનાસકાંઠા પોલીસ દ્વારા અલગ અલગ ટીમોનું ગઠન કરવામાં આવ્યું હતું. LCB ટીમોએ મોલ, શોપિંગ સેન્ટર અને ભીડભાડવાળી જગ્યાઓના 100 થી વધુ સીસીટીવી કેમેરા ફૂટેજ તપાસ્યા હતા. ટેકનિકલ અને હ્યુમન સોર્સ તેમજ નેત્રમ કમાન્ડ કંટ્રોલમાંથી મળેલા લીડના આધારે તપાસ આગળ વધી હતી.
તપાસ દરમિયાન, રાજસ્થાનના કેકડી જિલ્લાના બાર્ગરા ગામના મુખ્ય સૂત્રધાર રમેશ બાગરીયા અને તેના સાગરીતોની સંડોવણી જણાઈ હતી. આ ગેંગ ટ્રેલર ટ્રક નંબર RJ-52-GB-5280 નો ઉપયોગ કરીને ચોરી કરતી હોવાનું સામે આવ્યું હતું. LCB ટીમોએ આ ગુનામાં સંડોવાયેલા રાકેશ ઘીસાલાલ બાગરીયા (રહે. દેવપુરા, ફારકીયા, તા.જી. કેકડી, રાજસ્થાન) ને ઝડપી પાડ્યો હતો.

