મહીસાગર જિલ્લામાં લગ્ન પ્રસંગ દરમિયાન ચાલતી કારના બોનેટ પર જાનૈયાઓના જોખમી સ્ટંટનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં યુવાનો ડીજેના તાલે ડાન્સ કરતા જોવા મળે છે. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે ભર બપોરે નીકળેલી જાનમાં બે ગાડીઓ (બોલેરો અને સ્કોર્પિયો)ના બોનેટ પર યુવાનો જોખમી રીતે ઊભા રહીને ડાન્સ કરી રહ્યા હતા. આ પ્રકારની બેદરકારીભરી હરકતો ગંભીર અકસ્માતને નોતરી શકે છે.
પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટના મહીસાગરના વીરપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારની હોવાનું અનુમાન છે. વીડિયો વાયરલ થતાં વીરપુર પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે.

જિલ્લા પોલીસ વડા સફીન હસન અને નાયબ પોલીસ વડા કમલેશ વસાવાએ અસામાજિક તત્વો સામે કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ સૂચનાના આધારે, 31 મે, 2026 ના રોજ વાયરલ થયેલા આ વીડિયોના આધારે બંને વાહન ચાલકોને તેમના વાહનો (બોલેરો અને સ્કોર્પિયો) સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. ડાન્સ અને સ્ટંટ કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
જાહેર માર્ગ પર ચાલતી ગાડીઓ પર આવા જોખમી સ્ટંટ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરે છે અને જાહેર સુરક્ષા માટે જોખમી છે. આવા બેદરકાર વર્તન સામે કાર્યવાહી કરવાની માંગ પણ ઊઠી રહી હતી.

