Gujarat

જામનગરમાં ખનીજ ચોરી સામે કાર્યવાહી, 90 લાખનો મુદ્દામાલ જપ્ત

જામનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને ખનીજ પરિવહન સામે ભૂસ્તરશાસ્ત્ર વિભાગે સઘન કાર્યવાહી કરી છે. ભૂસ્તરશાસ્ત્રી કેયુર રાજપુરાની સૂચનાથી, તપાસ ટીમે જામજોધપુરના જસાપર અને જામનગરના ધુતારપર ગામમાં દરોડા પાડ્યા હતા. આ દરોડામાં કુલ 90 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

જામજોધપુર તાલુકાના જસાપર ગામના નદી પટ્ટ વિસ્તારમાં સાદી રેતીના ગેરકાયદેસર ખનન અને વહન અંગે બાતમી મળી હતી. તેના આધારે તપાસ કરતા સ્થળ પરથી એક JCB મશીન (નંબર GJ-37-S-9898) અને બે ડમ્પર (નંબર BR-31-GA-6182 અને BR-25-GA-6025) ઝડપાયા હતા. આ ત્રણેય વાહનોના માલિક રાજેશભાઈ કાંબરિયા હોવાનું સામે આવ્યું છે.

આ ઉપરાંત, જામનગર તાલુકાના ધુતારપર ગામમાં પણ સાદી રેતીના ગેરકાયદેસર ખનન અને પરિવહન અંગે ફરિયાદ નોંધાઈ હતી. તપાસ દરમિયાન નદી પટ્ટ વિસ્તારમાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ ઝડપાઈ હતી. સ્થળ પરથી ત્રણ ટ્રેક્ટર કબજે કરવામાં આવ્યા હતા, જેના માલિકોમાં વિમલભાઈ વડેચા (GJ-38-BB-8301), મેહુલભાઈ રાઠોડ (GJ-36-AJ-9054) અને મેરુભાઈ પરમાર (GJ-03-EH-2474)નો સમાવેશ થાય છે.

ભૂસ્તરશાસ્ત્ર વિભાગ દ્વારા બંને સ્થળોએથી કુલ છ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે, જેનો અંદાજિત મુદ્દામાલ આશરે 90 લાખ રૂપિયા જેટલો થાય છે. જપ્ત કરાયેલા તમામ વાહનો સામે ખનિજ કાયદા મુજબ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગેરકાયદેસર ખનન સાથે સંકળાયેલા અન્ય જવાબદારોની ભૂમિકા અંગે પણ તપાસ ચાલુ છે.