શહેરના નરોડા GIDC ફેઝ-૩ માં અર્બુદા કાંટા નજીક આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળી છે. કેમિકલનો જથ્થો હોવાને કારણે આગે જાેતજાેતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ઘટનાની ગંભીરતાને જાેતા ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક ‘મેજર કોલ‘ જાહેર કરવામાં આવ્યો છે.
આ ઘટના મામલે પ્રાથમિક માહિતી મુજબ ફેક્ટરીમાં કામકાજ દરમિયાન અચાનક પ્રચંડ ધડાકા સાથે બોઈલર બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ દૂર-દૂર સુધી સંભળાયો હતો અને આજુબાજુની ફેક્ટરીઓમાં કામ કરતા લોકો પણ ભયભીત થઈ ગયા હતા. બોઈલર ફાટવાના કારણે ફેક્ટરીમાં હાજર ચાર કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે. જેમને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. કંપનીમાં ઊભેલી એક ટ્રક પણ આગની ચપેટમાં આવી ગઈ છે.
આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ૬થી વધુ ગાડીઓ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતા, ફેક્ટરીમાં કેમિકલ હોવાના કારણે આગ મોટા પ્રમાણમાં પ્રસરી હતી જેથી આકાશમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા જાેવા મળી હતા પણ ફાયર ફાઈટર્સ દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગને ચારેય તરફથી કાબૂમાં લેવાના પ્રયાસો કરતા કલાકો બાદ આગને કાબુમાં લેવાઈ હતી અને તે બાદ કુલીંગ પ્રોસેસ કરવામાં આવી હતી.

