જામનગર શહેરમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં શરૂ કરવામાં આવેલા હંગામી એસ.ટી. ડેપોને હજુ માંડ એક વર્ષ ઉપરનો સમય થયો છે, ત્યાં જ આ ડેપોની કમનસીબ હાલત સામે આવી છે. તંત્રની ઘોર બેદરકારી અને કોન્ટ્રાક્ટરના લોલંલોલ કામને કારણે એક વર્ષ ઉપરના સમયમાં પ્લેટફોર્મની હાલત બદતર બની જવા પામી છે અને ખાડાઓ પડી જતાં મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
બિસ્માર પ્લેટફોર્મના કારણે માત્ર મુસાફરો જ નહીં પરંતુ ડ્રાઈવરો પણ તોબા પોકારી ઉઠ્યા છે. પ્લેટફોર્મની નજીક જ ખાડાઓ હોવાથી બસને ચોક્કસ જગ્યા પર પાર્ક કરવી ડ્રાઈવરો માટે લોઢાના ચણા ચાવવા સમાન સાબિત થઈ રહ્યું છે.
આગામી દિવસોમાં ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે. જો ખાડાઓનું વહેલી તકે રિપેરિંગ નહીં કરાઇ તો વરસાદી પાણી ભરાવાથી સ્થિતિ વધુ વણસશે અને કાદવ-કીચડનું સામ્રાજ્ય બની જશે. એસ.ટી. નિગમના ઉચ્ચ અધિકારીઓ આ બાબતની ગંભીરતા સમજી તાકીદે સમારકામ કરાવી મુસાફરો તેમજ ડ્રાઈવરોને પડતી મુશ્કેલીઓમાંથી મુક્તિ અપાવે તેવી માંગ ઉઠવા પામી છે.

