Gujarat

તુરખેડા પાસે નર્મદા નદીમાંથી રૂ. 5.75 લાખનો દારૂ ઝડપાયો

છોટાઉદેપુર જિલ્લા LCBએ તુરખેડા નજીક નર્મદા નદીમાંથી નાવડી દ્વારા લઈ જવાતો રૂ. 5,75,558/- નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ રૂ. 6,80,558/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. છોટાઉદેપુર જિલ્લો સરહદી વિસ્તાર હોવાથી પરપ્રાંતમાંથી વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયાસો અવારનવાર થતા રહે છે. જિલ્લા પોલીસ આવા પ્રયાસોને નિષ્ફળ બનાવી રહી છે, ત્યારે વધુ એક મોટી ખેપ ઝડપી પાડવામાં આવી છે.

જિલ્લા LCBની ટીમ કવાંટ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે, વાવણાભાઈ મૂળજીભાઈ ભીલ (રહે. નિશાળ ફળિયા, ખડલા, તા. કવાંટ) અને સુખરામભાઈ મલસિંગભાઈ ભીલ (રહે. વાઘબારી ફળિયા, મોગરા, તા. કવાંટ) ની માલિકીની નાવડીમાં વિદેશી દારૂ ભરીને તુરખેડા નર્મદા નદીના કિનારે આવી રહી છે. આ બાતમીના આધારે LCBએ વોચ ગોઠવી હતી.

વોચ દરમિયાન, બાતમી મુજબની નાવડી નદી કિનારે આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. નાવડીમાં તપાસ કરતા વિદેશી દારૂની કુલ 2218 બોટલ મળી આવી હતી, જેની કિંમત રૂ. 5,75,558/- થાય છે.