Gujarat

બોડેલી પોલીસે ‘સાયકલ ઓન સન્ડે’ રેલી યોજી

બોડેલી પોલીસે ‘ફિટ ઇન્ડિયા મિશન પ્રોજેક્ટ’ અંતર્ગત ‘સાયકલ ઓન સન્ડે’ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ હેઠળ બોડેલીમાં સાયકલ રેલી યોજવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ’ અભિયાનને વેગ આપવા માટે ગુજરાત પોલીસે રાજ્યભરમાં ‘સાયકલ ઓન સન્ડે’ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા પોલીસે પણ એક સાયકલ રેલી યોજી હતી, જેમાં 10 થી વધુ સાયકલિસ્ટો જોડાયા હતા.

ગુજરાત પોલીસ દ્વારા રાજ્યભરમાં આયોજિત ‘સાયકલ ઓન સન્ડે’ કાર્યક્રમના ભાગરૂપે, બોડેલી પોલીસ દ્વારા આજે સવારે સાયકલ રેલી યોજાઈ હતી. આ રેલીમાં સાયકલિસ્ટો અને પોલીસ વિભાગના જવાનોએ હેલ્મેટ અને ગિયર સાથે ભાગ લીધો હતો.

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોને રોજિંદા જીવનમાં શારીરિક પ્રવૃત્તિઓ વધારવા અને સ્વસ્થ રહેવા માટે પ્રેરિત કરવાનો છે. આધુનિક સમયમાં બેઠાડુ જીવનશૈલીના કારણે લોકો અનેક બીમારીઓનો ભોગ બનતા હોય છે. આ પહેલ દ્વારા નાગરિકોને ફિટનેસનું મહત્વ સમજાવવાનો અને સક્રિય જીવનશૈલી અપનાવવા પ્રોત્સાહિત કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.