Gujarat

વડોદરાની નિશાકુમારી સહિતની યુવતીઓએ હિમાચલ પ્રદેશની પર્વતમાળામાં 17,350 ફૂટ ઊંચા શિખર પર લહેરાવ્યો વિજયધ્વજ

વડોદરાની એવરેસ્ટર અને સ્કિલ ફાઉન્ડેશનની સ્થાપિકા એવરેસ્ટર નિશાકુમારીના નેતૃત્વ હેઠળ આયોજિત ‘મિશન શક્તિ – ઓલ ગર્લ્સ ફ્રેન્ડશિપ પીક અભિયાન 2026’ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલી યુવતીઓએ હિમાચલ પ્રદેશની પીર પંજાલ પર્વતમાળામાં આવેલા 17,350 ફૂટ ઊંચા ફ્રેન્ડશિપ પીક પર સફળ ચઢાણ કરીને સાહસ, આત્મવિશ્વાસ, શિસ્ત અને ટીમવર્કનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

અભિયાન દરમિયાન ટીમે બરફથી ઢંકાયેલા માર્ગો, સતત બદલાતું હવામાન, ઓક્સિજનની ઓછી માત્રા અને કઠિન ચઢાણ જેવા પડકારોનો સામનો કરી અદમ્ય હિંમત અને સંકલ્પશક્તિનું પ્રદર્શન કર્યું હતું. ‘મિશન શક્તિ’ એ એવરેસ્ટર નિશા કુમારીનું વિશેષ અભિયાન છે, જેનો મુખ્ય હેતુ દેશભરની યુવતીઓને સાહસિક પ્રવૃત્તિઓ, ફિટનેસ, નેતૃત્વ અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી માટે પ્રેરિત કરવાનો છે.

આ અભિયાનમાં એવરેસ્ટર નિશા કુમારી ટીમ લીડર તરીકે જોડાયા હતા. તેમની સાથે સમિટર આરતી લાખોટરા અને પ્રાચી અગ્રવાલ સહિત પ્રાચી જયસિંહ, અવની ભટ્ટ, બંસી પટેલ, ધ્વનિ બલાણી, વિશ્વા કનેરિયા, વિશ્વા કાકડિયા, દિવ્યા રાઠવા, રમ્યા ચિલુવરી અને સ્નેહા ચાકે ભાગ લીધો હતો. અભિયાનની સૌથી મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે આરતી લાખોટરા અને પ્રાચી અગ્રવાલે એવરેસ્ટર નિશા કુમારી સાથે સફળતાપૂર્વક ફ્રેન્ડશિપ પીક સમિટ પૂર્ણ કરી હતી, જે ‘મિશન શક્તિ’ માટે ગૌરવની ક્ષણ બની છે.