Gujarat

જય ગોગા ગ્રુપ દ્વારા 500 વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ચોપડા

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં જય ગોગા ગ્રુપ નહેરુ ચોકડી દહેગામ દ્વારા એક પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દહેગામ તાલુકા રબારી સમાજ શિક્ષણ સમિતિના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં 500 વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ચોપડાનું વિતરણ કરાયું હતું. ધોરણ 5 થી 12ના તેજસ્વી વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું, જેનો ઉદ્દેશ્ય શિક્ષણને પ્રોત્સાહન આપવાનો હતો.

દહેગામ તાલુકા રબારી સમાજ શિક્ષણ સમિતિ છેલ્લા 10 મહિનાથી વિદ્યાર્થીઓને શિક્ષણ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને કારકિર્દી માર્ગદર્શન પૂરું પાડી રહી છે. આ ઉપરાંત, પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે રનિંગ ગ્રાઉન્ડની સુવિધા પણ પૂરી પાડવામાં આવી છે.

આ સુવિધાઓનો લાભ લઈને, ધારીસણાના નિકુલભાઈ અને વિપુલભાઈ દ્વારા અપાયેલી તાલીમથી આશરે 45 યુવાનોએ પોલીસ ભરતીની શારીરિક કસોટી સફળતાપૂર્વક પાસ કરી છે. નિવૃત્ત IPS અધિકારી વી.વી. રબારીએ એક સંપૂર્ણ જનરલ બેચનો ખર્ચ ઉઠાવી શિક્ષણ સેવામાં યોગદાન આપ્યું છે. કે.ડી. દેસાઈ (પાનસર)ના સહયોગથી કંડક્ટર ભરતી માટે જરૂરી ફર્સ્ટ એઇડ તાલીમ પણ પૂરી કરવામાં આવી છે.

વિદ્યાર્થીઓના સન્માન ઉપરાંત, તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં વિજયી બનેલા સમાજના જનપ્રતિનિધિઓ અને વિવિધ ક્ષેત્રોમાં નવનિયુક્ત હોદ્દેદારોનું પણ શાલ અને સન્માનપત્ર આપી સન્માન કરાયું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ સમાજના યુવાનોને શિક્ષણની સાથે સામાજિક, રાજકીય અને વહીવટી ક્ષેત્રોમાં પણ આગળ આવી સમાજનું ગૌરવ વધારવા હાકલ કરી હતી.

કાર્યક્રમમાં ગણેશદાસ બાપુ, મુકેશભાઈ જીવણભાઈ (RECT), સહદેવભાઈ દેસાઈ, ભુલાભાઈ દેસાઈ, રેખાબેન દેસાઈ અને ઈશ્વરભાઈ દેસાઈ સહિતના મહાનુભાવો અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ગણેશદાસ બાપુએ 21મી સદીને જ્ઞાનની સદી ગણાવી વિદ્યાર્થીઓને શિક્ષણમાં આગળ વધવા પ્રેરણા આપી. મુકેશભાઈ જીવણભાઈએ RECT જેવી સંસ્થાઓ સમગ્ર ગુજરાતમાં ઊભી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. રેખાબેન દેસાઈએ રબારી સમાજની સેવા, સાદગી અને સમર્પણના ગુણોને યાદ કરી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને ઉત્સાહનો સંચાર કર્યો. સહદેવભાઈ દેસાઈએ વાળીનાથ મંદિર અને SKJ ટ્રસ્ટ દ્વારા ચાલતી શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી.