દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગાંધવી (હર્ષદ)માં અરબી સમુદ્રના રમણીય કિનારે વિકસાવવામાં આવેલ હરસિદ્ધિ વન આજે રાજ્યના અગ્રણી પર્યટન સ્થળોમાં સ્થાન પામી રહ્યું છે. પ્રકૃતિના અદભૂત સૌંદર્ય, વિશાળ દરિયાકિનારા અને સાંસ્કૃતિક વારસાના સમન્વયથી આ વન પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
દ્વારકાથી આશરે 65 કિલોમીટર અને પોરબંદરથી લગભગ 45 કિલોમીટર દૂર સ્થિત આ સાંસ્કૃતિક વન દરિયાઈ વિસ્તારના અનોખા વાતાવરણ વચ્ચે વિકસાવવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા વિકસાવવામાં આવેલા આ પ્રોજેક્ટને પ્રવાસીઓનો નોંધપાત્ર પ્રતિસાદ મળ્યો છે. વર્ષ 2024થી મે-2026 સુધીના માત્ર 22 મહિનાના ગાળામાં 10 લાખથી વધુ લોકોએ હરસિદ્ધિ વનની મુલાકાત લીધી છે.
વન વિસ્તારમાં 130થી વધુ વનસ્પતિ પ્રજાતિઓના અંદાજે 55 હજારથી વધુ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. હરસિદ્ધિ વનમાં સાંસ્કૃતિક અને પ્રાકૃતિક બંને પ્રકારના આકર્ષણો વિકસાવવામાં આવ્યા છે. મુખ્ય પ્રવેશદ્વાર, હરસિદ્ધિ માતાજી સાંસ્કૃતિક વાટિકા, શ્રીકૃષ્ણ ઉપવન, શ્રીકૃષ્ણ કમળ વાટિકા અને સેરેમોનીયલ ગાર્ડન જેવા વિભાગો મુલાકાતીઓને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાની અનુભૂતિ કરાવે છે.
આ ઉપરાંત સ્વાગત વાટિકા, આયુષવન, વન કવચ, વાઇલ્ડ લાઇફ ઝોન, તાડ વાટિકા, પવિત્ર ઉપવન, સ્ટોન મેઝ ગાર્ડન, સ્ટોન થેરાપી વોકવે, ગુગળ વન અને કેક્ટસ વાટિકા જેવા વિવિધ થીમ આધારિત વિભાગો પ્રકૃતિપ્રેમીઓ માટે વિશેષ આકર્ષણ ધરાવે છે. બાળકો અને પરિવારજનો માટે બાળ વાટિકા, સેલ્ફી પોઇન્ટ, બીચ થીમ સિટિંગ એરિયા, મેડિટેશન ઝોન, ગઝેબો, સનસેટ પોઇન્ટ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે.

