Gujarat

જામનગરમાં આડેધડ દોડતી રીક્ષાઓ સામે પોલીસનું મેગા ચેકિંગ ડ્રાઈવ

જામનગર શહેરમાં ટ્રાફિકની ગંભીર સમસ્યા અને પેસેન્જરોની સુરક્ષાને ધ્યાને રાખીને પોલીસ તંત્ર દ્વારા એકાએક કડક અને અભૂતપૂર્વ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીને આડેધડ અને બેફામ દોડતા ઓટો રીક્ષા ચાલકો સામે પોલીસ વિભાગ દ્વારા એક વિશાળ મેગા ચેકિંગ ડ્રાઈવ યોજવામાં આવી હતી. આ ઓપરેશન અંતર્ગત શહેરના જુદા જુદા વ્યસ્ત વિસ્તારો અને મુખ્ય માર્ગો પર સઘન ચેકિંગ કરીને નિયમભંગ કરનારા રીક્ષા ચાલકો સામે દંડાત્મક તેમજ ડીટેઈન અને કેસ સહિતની કામગીરી કરવામાં આવી હતી. મોડી રાત સુધી આ કામગીરી ચાલી હતી.

શહેરના ચાંદી બજાર, સેન્ટ્રલ બેંક, હવાઈ ચોક, પવનચક્કી, પોલીસ ચોકી, બેડી ગેઈટ, જી.જી.હોસ્પિટલ સામે, ડીકેવી, અંબર ચોકડી, તેમજ ખોડીયાર કોલોની, એસટી ડેપો, સાત રસ્તા સહિતના વિસ્તારોમાં મંગળવારે સાંજે એસપી ડો.રવિમોહન સૈનીની સૂચનાથી શહેરના સિટી એ ડિવિઝનના પીઆઈ વી.એમ.ડોડીયા, સિટી બી ડિવિઝનના પીઆઈ ગઢવી, સિટી સી ડિવિઝનના એન.બી.ડાભી તેમજ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) સહિતની અલગ-અલગ પોલીસ ટીમોએ પોતાના કાફલા સાથે સંયુક્ત રીતે મોરચો સંભાળ્યો હતો. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પોતે રસ્તા પર ઉતરી આવતાં આડેધડ રીક્ષા ચલાવતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.