હાલારમાં ચોમાસાના મંડાણ પુર્વે આગોતરુ 2722 હેકટરમાં વાવેતર થયુ છે. જેમાં જામનગરમાં 2116 હેકટર અને દ્વારકા જિલ્લામાં 606 હેકટરમાં વાવણી થયાનુ સુત્રોએ જણાવ્યુ છે. જામનગર જિલ્લાના જુદા જુદા છ તાલુકામાં આગોતરૂ વાવેતર થયુ છે.જેમાં સૌથી વધુ મગફળીનુ 1900 હેકટર અને કપાસનુ 194 હેકટરમાં વાવેતર થયાનુ સામે આવ્યુ છે.જયારે શાકભાજીનુ 19 હેકટર અને ઘાંસચારાનુ 04 હેકટરમાં ગત સપ્તાહ સુધીમાં વાવેતર કરાયુ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ મગફળીનુ 531 હેકટરમાં, શાકભાજીનુ 28 હેકટરમા઼, ઘાસચારાનુ 46 હેકટર અને કપાસનુ એક હેકટર વિસ્તારમાં વર્તમાન સ્થિતિએ વાવેતર થયાનુ ખેતીવાડી વિભાગના સુત્રોએ જણાવ્યુ હતુ.
હાલારમાં પિયતની ઉમદા સુવિધા ધરાવતા વિસ્તારોમાં ખેડૂતો દ્વારા મગફળી-કપાસ વાવી દેવાયા હોવાનુ સામે આવ્યુ છે. ધ્રોલમાં વધુ, જામનગરમાં સૌથી ઓછુ વાવેતર જામનગરના છ તાલુકાઓ પૈકી ધ્રોલ પંથકમાં સૌથી વધુ 735 હેકટરમાં વાવેતર થયુ છે.જયારે જામનગર તાલુકામાં સૌથી ઓછુ 63 હેકટરમાં આગોતરૂ વાવેતર થયુ છે.જામજોધપુરમાં 220 હેકટર, જોડીયામાં 640 હેકટર, કાલાવડમાં 124 હેકટર અને લાલપુરમાં 276 હેકટરમાં આગોતરી વાવણી થયાનુ સામે આવ્યુ છે.

