હિમાચલ પ્રદેશની પ્રખ્યાત અટલ ટનલ પાસે રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો જેમાં રાત્રે આશરે ૯ વાગ્યાની આસપાસ એક પૂરપાટ ઝડપે આવી રહેલી સ્કોર્પિયો ગાડી જેવી ટનલની બહાર નીકળી, કે તરત જ ચાલકે વાહન પરથી કાબૂ ગુમાવી દીધો હતો. ગાડીની સ્પીડ એટલી વધારે હતી કે તે રોડ કિનારે લગાવેલા બેરિકેડ્સ તોડીને સીધી નીચે નિર્માણ પામી રહેલા એક માળખાના સિમેન્ટના પિલર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ટક્કર એટલી જાેરદાર હતી કે પિલરમાંથી બહાર નીકળેલા લોખંડના અણીદાર સળિયા આખી ગાડીને ચીરીને તેની અંદર સુધી ઘૂસી ગયા હતા, જેના કારણે ગાડીના આગળના ભાગના કુરચા બોલી ગયા હતા.
આ અકસ્માતમાં ગાડીમાં સવાર રાજસ્થાનના રહેવાસી એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેની સાથે મુસાફરી કરી રહેલા ઉત્તર પ્રદેશના તેના ત્રણ મિત્રો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો પ્રવાસીઓ હોવાનું જાણવા મળ્યું છે, જેઓ મનાલીથી લાહોલ તરફ જઈ રહ્યા હતા. અકસ્માતનો અવાજ એટલો પ્રચંડ હતો કે આસપાસના વિસ્તારમાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ અને બચાવ કામગીરીની ટીમો ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે દોડી આવી હતી.
અકસ્માત બાદ સ્કોર્પિયો ગાડી પિલર અને લોખંડના સળિયા વચ્ચે એટલી ખરાબ રીતે ફસાઈ ગઈ હતી કે ઘાયલોને બહાર કાઢવા રેસ્ક્યુ ટીમ માટે મોટો પડકાર બની ગયો હતો. અંતે બચાવ ટુકડીએ ફાયર બ્રિગેડના જવાનોની મદદથી ભારે જહેમત બાદ ગાડીના પતરાં કાપીને ઘાયલોને બહાર કાઢ્યા હતા. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. બીજી તરફ પોલીસે મૃતક યુવકના શવને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને તેના પરિવારને જાણ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.
પ્રાથમિક તપાસ બાદ પોલીસનું કહેવું છે કે આ અકસ્માત સ્કોર્પિયોની સ્પીડ ખૂબ જ વધારે હોવાના કારણે અને અચાનક ગાડી પરથી કંટ્રોલ ગુમાવવાને લીધે થયો છે. જાેકે, પોલીસ અકસ્માતના અન્ય કારણો જાણવા માટે દરેક એંગલથી ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
આ ગંભીર અકસ્માત બાદ તરત જ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. આ ભયાનક દુર્ઘટનાના કેટલાક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે, જે જાેઈને જ અંદાજાે લગાવી શકાય છે કે ટક્કર કેટલી જીવલેણ હતી.
પણ તે વાત ખુબ ધ્યાનમાં રાખવા જેવી છે કે, અટલ ટનલ જાેવા માટે દરરોજ દેશભરમાંથી હજારો પ્રવાસીઓ પહોંચે છે અને વહીવટીતંત્ર પણ વારંવાર પહાડી રસ્તાઓ પર નક્કી કરેલી સ્પીડમાં વાહન ચલાવવા અપીલ કરે છે, છતાં આવી બેદરકારી મોટા અકસ્માતો નોતરે છે.

