ગાંધીનગરના પોર-કુડાસણ રોડ પર આવેલી એક કાચની ફેક્ટરી સામેથી આશરે 30 વર્ષીય પરપ્રાંતીય યુવકની બિનવારસી હાલતમાં લાશ મળી આવતા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. હાલમાં મજૂરની ઓળખ અને મોત ક્યાં કારણસર થયું એ જાણવા અડાલજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોર-કુડાસણ રોડ પર કાચની ફેક્ટરીની સામે યુવકની લાશ મળી આ ઘટનાની વિગત એવી છે કે પોર-કુડાસણ રોડ પર કાચની ફેક્ટરીની સામે કોઈ અજાણ્યા યુવકની લાશ પડી હોવાની જાણ થતા આસપાસના લોકો એકઠા થઈ ગયાં હતા. બનાવની જાણ થતા સૌપ્રથમ ઇન્ફોસિટી પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જોકે પોલીસે ઘટનાસ્થળના સર્વે નંબરની તપાસ કરતા આ વિસ્તાર અડાલજ પોલીસ મથકની હદમાં આવતો હોવાનું બહાર આવ્યું હતું.
મૃતક પરપ્રાંતીય મજૂર આથી ઇન્ફોસિટી પોલીસે તુરંત જ અડાલજ પોલીસને જાણ કરી હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ અડાલજ પોલીસ મથકની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવી પંચનામાની કાર્યવાહી હાથ ધરી હતી.આ અંગે અડાલજ પોલીસ મથકના પીઆઈ એસ. જી. દેસાઈએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં મૃતક પરપ્રાંતીય મજૂર હોવાનું જણાય છે, જેની ઉંમર આશરે 30 વર્ષની આસપાસ છે. મૃતકની લાશ ઉપર હાલ કોઈ સ્પષ્ટ બાહ્ય ઈજાના નિશાન જોવા મળ્યા નથી.
મોતનું ચોક્કસ કારણ જાણવા પેનલ પોસ્ટમોર્ટમ કરાશે

