Gujarat

આમોદ-જંબુસરના 7 ગામોમાં પૂરનો ભય, વેલ દૂર કરવાની કામગીરી તાત્કાલિક થાય તેવી માંગ

આમોદ-જંબુસર વચ્ચે વહેતી ઢાઢર નદીમાં ફરી એકવાર નારી વેલનો વ્યાપક ઉપદ્રવ જોવા મળ્યો છે. આના કારણે નદીકાંઠાના આશરે સાત ગામોમાં ચિંતાનું વાતાવરણ છવાયું છે. ગ્રામજનોના મતે, આ ગીચ વેલ નદીના પાણીના પ્રવાહને અવરોધી શકે છે, જેનાથી ભારે વરસાદ દરમિયાન પૂર જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાવાનો ભય છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અગાઉ પણ નારી વેલના કારણે ઢાઢર નદીમાં પાણીના પ્રવાહમાં અવરોધ સર્જાતા અનેક ગામો પૂરથી પ્રભાવિત થયા હતા. થોડા વર્ષો પહેલાં દાદાપોર ગામના લોકોએ જીવના જોખમે નદીમાં ઉતરીને નારી વેલ દૂર કરવાની કામગીરી કરી હતી.

જોકે, હાલમાં નદીમાં મગરોનો વસવાટ વધતા માનવબળથી આ કામગીરી કરવી જોખમી બની ગઈ છે. આથી, આધુનિક મશીનરી દ્વારા તાત્કાલિક નારી વેલ દૂર કરવામાં આવે તેવી લોકમાગ ઉગ્ર બની છે. દાદાપોર ગામના સરપંચ મહેન્દ્રભાઈએ જણાવ્યું કે, આ ગંભીર પ્રશ્ન અંગે અનેક વખત સંબંધિત વિભાગોમાં રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં આજદિન સુધી તંત્ર દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી.

ચોમાસું માથે હોવા છતાં જવાબદાર તંત્રની નિષ્ક્રિયતા સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ પ્રથમ વરસાદ પહેલાં જ ઢાઢર નદીમાંથી નારી વેલ દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવા માંગ કરી છે, જેથી સંભવિત પૂર અને જાનમાલના નુકસાનને અટકાવી શકાય.