Gujarat

ગુજરાતના જળાશયોમાં નવા નીરની ભારે આવક સાથે નર્મદા ડેમની સપાટી વધતાં ‘કેનાલ’ ચાલુ કરાઈ

છેલ્લા ૭૨ કલાકથી વરસાદના કારણે પાણીની સતત આવકને પગલે જળાશયોની સપાટીમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. જળાશયોમાં થઈ રહેલી પાણીની આ નવી આવકને કારણે હાલમાં ૭ જળાશયોમાં વોર્નિંગ આપવામાં આવી છે, જ્યારે રાજ્યના બે મુખ્ય જળાશય માટે એલર્ટ જાહેર કરાયું છે.

પ્રશાસન દ્વારા સુરેન્દ્રનગરના ધોળી ધજા ડેમ અને મહિસાગરના વણાકબોરી ડેમ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, કારણ કે ધોળીધજા ડેમ ૯૨.૮૪ ટકા અને વણાકબોરી ડેમ ૯૧.૪૫ ટકા સુધી ભરાઈ ગયા છે. આ ઉપરાંત, જૂનાગઢના માણાવદરનો બાંટવા-ખારો ડેમ પણ ૮૪.૧૩ ટકા ભરાઈ જતાં હાલ એલર્ટ પર છે, જ્યારે ઉકાઇ ડેમમાં અત્યારે ૩૪ ટકા પાણીનો સંગ્રહ થયો છે.

બીજી તરફ, કડાણા ડેમની સ્થિતિ જાેઈએ તો તેમાં હાલ ૪૬.૫૭ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જેમાં અત્યારે ૩૨૦ ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે અને તેની સામે ડેમમાંથી ૨ હજાર ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે.

નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો થતાં ડેમની જળસપાટી હાલ ૧૨૬.૨૭ મીટરે પહોંચી ગઈ છે. આ સાથે જ ડેમમાં પાણીનો કુલ જથ્થો ૬૪.૧૧ ટકાએ પહોંચ્યો છે. અત્યારે ડેમમાં ૩૩ હજાર ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે કેનાલમાં ૧૦ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.