મોરબીના રફાળેશ્વર જીઆઈડીસીમાં આવેલા સીરામીક કારખાનાના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અંદાજે ૧.૫૯ લાખ બોરી મગફળીનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે. આ કારખાનામાં સરકારી ખરીદી બાદ મોટા પ્રમાણમાં મગફળીનો જથ્થો સંગ્રહિત કરીને રાખવામાં આવ્યો હતો. આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ હતી કે જાેતજાેતામાં તેણે આખાય ગોડાઉનને પોતાની ઝપેટમાં લઈ લીધું હતું. આ અગ્નિકાંડને પગલે આસપાસના વિસ્તારોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ધુમાડાના કાળા ડિબાંગ વાદળો આકાશમાં ઉંચે સુધી દેખાયા હતા.
આ સરકારી ગોડાઉનમાં આશરે ૧.૫૯ લાખ બોરી જેટલો મગફળીનો વિશાળ જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો હતો. આગ લાગવાના કારણે હજારો મણ મગફળી બળીને ખાખ થઈ ગઈ છે, જેનાથી કરોડો રૂપિયાનું ભારે આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. આગની તીવ્રતાને જાેતા એક પછી એક એમ કુલ ૭ જેટલા ફાયર ફાઈટરોને તૈનાત કરવામાં આવ્યા હતા. ફાયર ફાઇટરના જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ ઘટના બાદ સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ગોડાઉનમાં આટલો મોટો મગફળીનો જથ્થો સળગી જતાં તંત્રમાં પણ દોડધામ મચી ગઈ છે. પ્રાથમિક દ્રષ્ટિએ આટલી ભયાનક આગ શોર્ટ સર્કિટના કારણે લાગી કે અન્ય કોઈ કારણસર, તે હજુ સુધી સત્તાવાર રીતે જાણી શકાયું નથી. જવાબદાર તંત્ર અને પોલીસ દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે. એફએસએલ (હ્લજીન્) ની ટીમની મદદથી આ અકસ્માત પાછળના વાસ્તવિક કારણો શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

