જામનગરમાં ખેતીવાડી ફાર્મ નજીક રોહીદાસ ચોક વિસ્તારમાં શુક્રવારે રાત્રે કરણ જયંતીભાઈ વાઘેલા નામના યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. સિટી ‘સી’ ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં આ કેસનો ભેદ ઉકેલી બે આરોપીઓની ધરપકડ કરી છે.
પોલીસે આ કેસમાં યશ ઉર્ફે જીણો સુરેશભાઈ વરણ (ઉંમર ૨૧, રહે. ઈન્દિરા કોલોની, જામનગર) અને તેના સાથીદાર ચિરાગ સુરેશભાઈ જાદવ (ઉંમર ૨૩, રહે. ઈંદિરાનગર, જામનગર) ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાથમિક પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક કરણ વાઘેલા અને મુખ્ય આરોપી યશ ઉર્ફે જીણો વચ્ચે અગાઉ સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. આ તકરારનો ખાર રાખી આરોપીઓએ કરણની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.
ઘટનાની રાત્રે કરણ છાસ લેવા દુકાને ગયો ત્યારે બંને આરોપીઓએ તેને આંતરી છરી વડે હુમલો કર્યો હતો. ગંભીર ઇજાઓના કારણે કરણનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

ઘટના બાદ સિટી ‘સી’ ડિવિઝન પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. ઘટનાસ્થળ અને આસપાસના સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ માહિતી તથા સ્થાનિક બાતમીના આધારે પોલીસે બંને આરોપીઓને શોધી કાઢી તેમની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે.

