આણંદ પોલીસે સાયબર ક્રાઇમ કેસમાં ચાર વર્ષથી ફરાર દાહોદના કોંગ્રેસ કોર્પોરેટર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આણંદ પોલીસની પેરોલ-ફર્લો સ્કોડની ટીમે દાહોદથી આ સફળતા મેળવી હતી. પકડાયેલા આરોપીઓમાં દાહોદ નગરપાલિકાના વર્તમાન કોંગ્રેસ કોર્પોરેટરનો પણ સમાવેશ થાય છે.
આ ગુનો વર્ષ 2022માં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. આરોપીઓએ GSRTC ગોધરા વિભાગમાં બુકિંગ એજન્ટ તરીકે ફરજ બજાવતી વખતે કૌભાંડ આચર્યું હતું.
ઓનલાઈન ટિકિટ બુક કરાવી રદ કરી જાન્યુઆરીથી મે 2022 દરમિયાન ખંભાત ડેપોની 126 ઓનલાઇન ટિકિટો (રૂ. 37,354) અને ઓક્ટોબર 2019થી એપ્રિલ 2022 દરમિયાન ગુજરાતના અન્ય ડેપોની 229 ટિકિટો (રૂ. 1,78,758)નું બુકિંગ કરવામાં આવ્યું હતું.
કુલ 258 ટિકિટો દ્વારા રૂ. 2,16,212નું નુકસાન સરકારી તિજોરીને પહોંચાડવામાં આવ્યું હતું. આરોપીઓએ ટિકિટો બુક કરાવ્યા બાદ તેને રદ કરાવીને આ છેતરપિંડી કરી હતી. આ મામલે આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડી, વિશ્વાસઘાત અને આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
અમદાવાદ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અને આણંદ પોલીસ અધિક્ષકની સૂચનાથી, પેરોલ-ફર્લો સ્કવોડના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. પરમારે અલગ-અલગ ટીમો બનાવી હતી. પોલીસે ટેકનિકલ સોર્સ અને બાતમીદારોના નેટવર્કનો ઉપયોગ કરીને ફરાર આરોપીઓનું લોકેશન ટ્રેસ કર્યું હતું.
આરોપીઓમાં કોંગ્રેસનો કોર્પોરેટર બાતમીના આધારે, પોલીસે દાહોદ ખાતેથી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં પ્રહર્ષ ઉર્ફે મુન્નાભાઈ ભરતભાઈ ડીંડોર (રહે. એકલવ્ય સોસાયટી, ગોદી રોડ, દાહોદ – હાલના કોંગ્રેસ કોર્પોરેટર), મીરાન મહંમદ સફી છીપા (રહે. દાહોદ) અને મહેશકુમાર રામદયાલ અગ્રવાલ (રહે. ભાગ્યોદય સોસાયટી, દાહોદ)નો સમાવેશ થાય છે.

