ગુજરાત યુવા કોંગ્રેસ સંગઠનને વધુ સક્રિય, મજબૂત અને જનહિતના મુદ્દાઓ પર પ્રભાવી બનાવવા માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રભારી અને રાષ્ટ્રીય સચિવ નિખિલ દ્વિવેદી દ્વારા સંગઠનમાં લાંબા સમયથી નિષ્ક્રિય ચાલી રહેલા 30 જિલ્લા પ્રમુખો અને 26 પ્રદેશ પદાધિકારીઓ (કુલ 56 પદાધિકારીઓ) ને સત્તાવાર રીતે શો-કોઝ નોટિસ જારી કરવામાં આવી છે.
48 કલાકમાં પદાધિકારીઓને લેખિત જવાબ રજૂ કરવા આદેશ આ નોટિસ દ્વારા તમામ સંબંધિત પદાધિકારીઓ પાસેથી સંગઠનાત્મક બેઠકોમાં ગેરહાજર રહેવા અને તેમની કામગીરી અંગે ખુલાસો માંગવામાં આવ્યો છે. નોટિસ મળ્યાના 48 કલાકની અંદર તમામ પદાધિકારીઓએ પોતાનો લેખિત જવાબ રજૂ કરવાનો રહેશે. જો નિર્ધારિત સમય મર્યાદામાં સંતોષકારક જવાબ નહીં મળે, તો સંગઠનના નિયમો અનુસાર તેમને પદ પરથી હટાવવા સહિતની કડક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.
કાર્યકરો જમીની સ્તરે મહેનત કરશે આ પ્રસંગે પ્રભારી નિખિલ દ્વિવેદીએ જણાવ્યું હતું કે, યુવા કોંગ્રેસમાં માત્ર પદ મેળવી લેવું પૂરતું નથી, પરંતુ સંગઠન અને જનતાની વચ્ચે સતત સક્રિય રહીને કામ કરવું અનિવાર્ય છે. જે કાર્યકરો જમીની સ્તરે મહેનત કરશે, સંગઠનને મજબૂત બનાવશે અને જનતાના મુદ્દાઓ પર સંઘર્ષ કરશે, તેમને જ સંગઠનમાં પૂરતું સન્માન અને નવી તકો આપવામાં આવશે. સંગઠનમાં નિષ્ક્રિયતા કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં.
ગેરહાજર રહેતા પદાધિકારીઓ સામે આકરા પગલાં રાષ્ટ્રીય પ્રભારી મનીષ શર્માના નેતૃત્વમાં યોજાયેલી સંગઠનાત્મક બેઠકમાં કોઈ પણ પૂર્વ સૂચના કે માનય કારણ વગર ગેરહાજર રહેનારા પદાધિકારીઓ સામે આ આકરા પગલાં લેવામાં આવ્યા છે. યુવા કોંગ્રેસનો મુખ્ય ઉદ્દેશ્ય એક સક્રિય, જવાબદારીપૂર્વક કાર્ય કરતું અને સંઘર્ષશીલ સંગઠન બનાવવાનો છે, જેથી યુવાનોના અવાજને વધુ મજબૂતાઈથી વાચા આપી શકાય.

