સૌરાષ્ટ્ર અને કચ્છના લાખો નાગરિકોને પોતાના આંગણે સસ્તો, ઝડપી અને સુલભ ન્યાય મળી રહે તેવા ઉમદા આશયથી જામનગર બાર એસોસિએશનના વકીલોએ 29 જુલાઈના રોજ એક દિવસીય પ્રતીક હડતાળ પાડીને સમગ્ર કોર્ટ કામગીરીથી સંપૂર્ણ અલિપ્ત રહી વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાજકોટ ખાતે હાઇકોર્ટની બેન્ચ પુનઃ શરૂ કરવાની ન્યાયિક માંગ સાથે વકીલોએ એકજૂટ થઈ રેલી સ્વરૂપે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ આંદોલન કોઈ અંગત સ્વાર્થ માટે નહીં પરંતુ આમ જનતાની હાલાકી દૂર કરવા માટે શરૂ કરાયું છે.
ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અને પ્રજાહિતની રજૂઆત વર્ષ 1960 સુધી સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના નાગરિકો માટે રાજકોટ ખાતે હાઇકોર્ટ કાર્યરત હતી, પરંતુ 1960 પછી આ મહત્વપૂર્ણ સુવિધા અચાનક બંધ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ સમગ્ર ગુજરાત રાજ્ય માટે માત્ર અમદાવાદ ખાતે જ એકમાત્ર હાઇકોર્ટ કાર્યરત રાખવામાં આવી છે. જામનગર બાર એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ સુવાએ આ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ સુવિધા બંધ થવાથી સૌરાષ્ટ્રના પ્રજાજનોને દાયકાઓથી ન્યાય મેળવવા માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
આ ન્યાયિક લડતની પૂર્વભૂમિકા રૂપે ગત 25 જુલાઈના રોજ રાજકોટ બાર એસોસિએશનના હોદ્દેદારો અને સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ જિલ્લા તથા તાલુકા બાર એસોસિએશનના પ્રતિનિધિઓ વચ્ચે એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ સંયુક્ત બેઠકમાં તમામ બાર એસોસિએશનોએ સર્વાનુમતે રાજકોટમાં હાઇકોર્ટ બેન્ચ મેળવવા માટે એકજૂટ થઈને તબક્કાવાર અને આક્રમક આંદોલન ચલાવવાનો દ્રઢ નિર્ધાર કર્યો હતો, જેના ભાગરૂપે જ આજના વિરોધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

