જામનગર શહેરમાં ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા માટે પોલીસ તંત્ર દ્વારા હવે આધુનિક ટેકનોલોજીનો સહારો લેવામાં આવી રહ્યો છે. શહેરના મુખ્ય માર્ગો અને ટ્રાફિક પોઈન્ટ્સ પર લગાડવામાં આવેલા સીસીટીવી કેમેરાઓ હવે ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો પર સતત બાજ નજર રાખી રહ્યા છે.
ટ્રાફિક સિગ્નલ જમ્પિંગ, ઓવરસ્પીડિંગ, ચાલુ વાહને ફોન પર વાત કરવી, ત્રિપલ સવારી કે રોંગ સાઇડ ડ્રાઈવિંગ જેવી ભૂલો કરનાર 23761 વાહન ચાલકોને હવે ઘરે બેઠા જ ઈ-ચલણ અપાઈ છે અને 3500 વાહન ચાલકોને 1750 નોટીસ આપવામાં આવી છે. વર્ષ 2026ના છેલ્લા સાત મહિનાના આંકડાઓ પર નજર કરીએ તો, ટ્રાફિક નિયમોના ભંગ બદલ કુલ 23,761 વાહન ચાલકોને ઈ-ચલણ આપવામાં આવ્યા છે. આ આંકડો શહેરના ટ્રાફિક મેનેજમેન્ટની ગંભીરતા દર્શાવે છે.
અત્યાર સુધીની વસૂલાતની વાત કરીએ તો, કુલ 8,053 વાહન ચાલકોએ જવાબદારી સમજીને રૂ. 63,34,950નો દંડ ભરપાઈ કરી દીધો છે. જોકે હજુ પણ મોટો વર્ગ એવો છે કે જે દંડ ભરવામાં આળસ દાખવી છે. 15,708 વાહન ચાલકોએ હજુ સુધી રૂ. 1,50,57,500નો દંડ ભર્યો નથી. પોલીસ તંત્ર હવે આ બાકી રહેલા દંડની વસૂલાત માટે અત્યંત આકરા પગલાં ભરી રહ્યું છે. જે વાહન ચાલકો દંડ ભરવામાં નિષ્કાળજી દાખવી રહ્યા છે, તેમને કાયદાનું ભાન કરાવવા માટે નોટિસ પાઠવવાની શરૂઆત કરવામાં આવી છે.
હાલ આ તમામ કેમેરાનું મોનીટરીંગ એસપી કચેરી પાસે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ખાતેથી કરવામાં આવી રહ્યું છે. ડીવાયએસપીની નિગરાનીમાં પીએસઆઈ ભરત સીંગલ તેમજ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે.

