જામનગર જીલ્લા સહકારી બેંકનું નવું મુખ્યાલય હાલારના ખેડુતો અને સહકારી ક્ષેત્ર માટે ઉર્જા કેન્દ્ર બની રહેશેઃ કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ
જામનગર જીલ્લા સહકારી બેંકની મુખ્ય કચેરી માટે અંદાજીત રૂા.૨૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલા “સહકાર ભવન”નું વર્ચ્યુઅલ ઉદઘાટન કરતાં કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે કહયું હતું કે, જામનગર જીલ્લા સહકારી બેંકનું આ મુખ્યાલય હાલારના ખેડુતો અને સહકાર ક્ષેત્ર માટે ઉર્જાનું કેન્દ્ર બની રહેશે. આ સમારોહમાં રાજયના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, સહકાર મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી તેમજ સાંસદ શ્રી પૂનમબેન માડમ અને એપેક્ષ બેંકના ચેરમેન અજયભાઈ પટેલ વર્ચ્યુઅલી જોડાયા હતાં અને પ્રાસંગીક પ્રવચન કર્યા હતાં. આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહેલા જામનગર જીલ્લાના પ્રભારી મંત્રી અને રાજયના વન-પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ પણ પ્રાસંગીક પ્રવચન કર્યું હતું.
જામનગર ડિસ્ટ્રીકટ કો.ઓ.બેંકનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યા પછી કેન્દ્રિય સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે તેમના ઉદબોધનમાં જણાવ્યું હતું કે ભારત દેશમાં સહકારી ક્ષેત્રે તમામ સહકારી બેંકોની પ્રગતિના કારણે ગ્રામ્ય ક્ષેત્રોના વિકાસને વેગ મળી રહ્યો છે. વધુમાં તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ સહકાર ક્ષેત્રે લેવાયેલા વિવિધ ક્રાંતિકારી પગલાં ગ્રામીણ સહકારી ક્ષેત્રને વધુ સક્ષમ અને સમૃધ્ધ કરવામાં અત્યંત મહત્વપૂર્ણ સાબિત થયા છે.
તેઓએ ઉમેર્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સહકારથી સમૃધ્ધિના દ્રષ્ટિબિંદુને સાકાર કરવામાં જામનગર ડિસ્ટ્રીકટ કો.ઓ.બેંકનું આ નવનિર્મિત સહકાર ભવન એક મહત્વપૂર્ણ માધ્યમ બનશે. તેમણે બેંકના ચેરમેન શ્રી જીતુભાઈ લાલ અને સમગ્ર બોર્ડ ઓફ ડાયરેકટર્સને અભિનંદન પાઠવ્યાં હતાં.
તેઓએ વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોઈપણ સહકારી બેંકને જો મજબુત કરવી હોય તો તેને આધુનિક બનાવવી અનિવાર્ય છે અને તે માટે બેંકનું મુખ્ય મથક તમામ આધુનિક સુવિધાઓથી સજજ હોવું જોઈએ. જામનગર ડિસ્ટ્રીકટ કો.ઓ.બેંક દ્વારા આર.બી.આઈ.અને નાબાર્ડના નિર્ધારીત ધોરણો મુજબ અદ્યતન ટેકનોલોજી આધારિત સેવાઓ પુરી પાડવામાં આવી રહી છે, તે બદલ તેમણે બેંક સંચાલકોને વિશેષ અભિનંદન પાઠવ્યાં હતાં.
તેમણે ઉમેર્યું હતું કે વર્ષ ૧૯૫૯ માં માત્ર રૂા.૨.૫ લાખની નાની થાપણથી શરૂ થયેલી આ બેંક આજે રૂા.ર૧૫૪ કરોડથી વધુનો વાર્ષિક કારોબાર કરી રહી છે, જે સહકારી ક્ષેત્રની તાકાત અને લોકોના વિશ્વાસનું જીવંત ઉદાહરણ છે. વર્તમાનમાં ૪૦ શાખાઓ ધરાવતી આ બેંક આવનારા દિવસોમાં હાલારના પ્રદેશના પ્રત્યેક ગામ સુધી પહોંચીને તમામ પ્રકારની સહકારી મંડળીઓ અને સંધોને સાંકળી સહકાર ક્ષેત્રને વ્યાપક અને મજબુત બનાવશે.
ગામડાના સહકારી બેકિંગ ક્ષેત્રે આગામી પચ્ચીસ વર્ષની તમામ જરૂરીયાતોને સંતોષી શકાય તેવી ઉત્કૃષ્ટ વ્યવસ્થા આ બેંકના મુખ્યાલયમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે જેથી હાલારના બન્ને જીલ્લાના ખેડુતો, પશુપાલકો, દૂધ ઉત્પાદકો અને અન્ય ક્ષેત્રોના લોકો માટે મહત્વનું ઉર્જા કેન્દ્ર બની રહેશે.
તેઓએ બેંકના આર્થિક ચિત્રના આંકડા જોતા કહયું હતું કે, નાના પાયા પર શરૂ થયેલી જામનગર જીલ્લા સહકારી બેંકે વિકાસની નવી દિશા કંડારી સહકારી ક્ષેત્રને ડીઝીટલ યુગ સાથે તાલ મિલાવવા માટે દિશા ચિંધી છે.
આ લોકાર્પણ સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલી વર્ચ્યુઅલી જોડાઈને ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીએ સુકાન સંભાળ્યું તેની બાર વર્ષની સફળ યાત્રામાં દેશના છેવાડાના માનવી અને ખેડુતોને વિકાસનો લાભ મળી રહે તે માટે કેન્દ્ર સરકારમાં સહકાર મંત્રાલય ઉભું કરીને સંકલ્પ સિધ્ધની દિશામાં સિમાચિહન સ્થાપ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્રમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીના ત્રીજા શાસનકાળમાં ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાના લક્ષ્યમાં બેન્કિંગ અને ફાઈનાન્શીયલ સેકટરની ભૂમિકા અતિ મહત્વની છે. અલગ સહકાર મંત્રાલયની રચના બાદ કેન્દ્રિય મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં સહકારી ક્ષેત્ર વધુ મજબુત અને પારદર્શક બન્યું છે. સહકારી બેંકોએ નાના માણસોની મોટી બેન્ક છે, જેણે સેવા, ક્રેડિટ અને મહિલા મંડળીઓ મારફતે ગરીબો, પછાતો, શ્રમિકો અને ખેડૂતોને આર્થિક રીતે પગભર કર્યા છે. માઈક્રો એ.ટી.એમ., બેંક મિત્ર અને ડીજીટલ બેન્કિંગ જેવી આધુનિક સેવાઓના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં બેન્કિંગ ક્ષેત્રમાં લોકોનો વિશ્વાસ વધ્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ જામનગર ડિસ્ટ્રીકટ કો.ઓ.બેંકની પ્રશંસનીય કામગીરીનો ઉલ્લેખ કરતાં ઉમેર્યું હતું કે, બેંક દ્વારા પોતાના એકંદર ધિરાણમાંથી આશરે ૯૭ ટકા જેટલું ધિરાણ માત્ર કૃષિ અને કૃષિ સંલગ્ન ક્ષેત્રોને આપવામાં આવ્યું છે. આ ઉપરાંત બેંકનું નેટ એનપીએ શૂન્ય ટકા હોવું એ બેંકનું કુશળ અને અસરકારક લોન વ્યવસ્થાપન તથા ગ્રાહકોનો બેંક પ્રત્યેનો અતૂટ વિશ્વાસ દર્શાવે છે.” સૌનો સાથ, સૌનો વિકાસ ” મંત્ર તથા જનભાગીદારીના કારણે વિકાસ વેગવંતો બન્યો છે તેમાંય ” સહકાર ચળવળ ” સાથે દેશ વિકસીત થવાની દિશામાં ઝડપભેર અગ્રેસર થઈ રહયો છે. જામનગરમાં ડિસ્ટ્રીકટ કો.ઓ.બેંકના નવા ભવનના નિર્માણથી સોનામાં સુગંધ ભળે તેવું કાર્ય થયું છે.
દેશને વિશ્વની સૌથી મોટી ત્રીજી અર્થવ્યવસ્થા બનાવવા માટે બેકિંગ સુવિધા મહત્વનું પરિબળ છે અને તેમાં સહકારી બેંકો તથા તેને સંલગ્ન મંડળીઓની સહકારી પ્રવૃતિઓમાં પ્રગતિના કારણે ગરીબ, પછાત અને શ્રમિક વર્ગ પગભર થયો છે. ખેડુતો, પશુપાલકો, દૂધ ઉત્પાદકો સમૃધ્ધ બને તેવો સરકારનો અભિપ્રાય છે અને તેથી જ ગામડાઓ સમૃધ્ધ બની રહ્યા છે. સરકારે સહકાર ક્ષેત્રે અનેક રીફોર્મ કર્યા છે. સહકારી બેંકો આરબીઆઈના નિયંત્રણ હેઠળ કાર્ય કરે છે. ડીજીટલાઈઝ સુવિધાઓ ગામડા સુધી પહોંચી છે. કેન્દ્રિય સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ કૃષિ ક્ષેત્રે તેમજ સહકારી ક્ષેત્રે વિશાળ ફલક પર કામ થઈ રહયું છે.
જામનગર ડિસ્ટ્રીકટ કો.ઓ.બેંકે નોંધપાત્ર પ્રગતિ કરી છે જે બેંકના સભાસદો અને ખેડુતોના વિકાસનું પ્રતિક છે અને તેમાં આ નવું ” સહકાર ભવન ” મહત્વનું કેન્દ્ર બની રહેશે.
આ લોકાર્પણ સમારોહના પ્રારંભમાં જામનગર ડિસ્ટ્રીકટ કો.ઓ.બેંકના ચેરમેન જીતુભાઈ લાલે સ્વાગત પ્રવચન કર્યું હતું. આ સાથે તેમણે બેંકના નવનિર્મિત ભવનની વિગતો આપતા જણાવ્યું હતું કે ૨૫ હજાર ચોરસ ફુટ જેવી વિશાળ જગ્યા પર ચાર માળના અદ્યતન બિલ્ડીંગનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે. અંદાજે રૂા.૨૫ કરોડના ખર્ચે નિર્માણ થયેલા બેંકની મુખ્ય કચેરીના બિલ્ડીંગમાં બેકિંગ વ્યવહાર માટે કોમ્પયુટરો, સુવિધાપૂર્ણ ફર્નિચર સાથે બેઠક વ્યવસ્થા, ખેડુતો, સભાસદો માટે ફાર્મર હોસ્ટેલ (ડોરમેટરી), એકઝીકયુટીવ રૂમો, ટ્રેઈનીંગ હોલ, સેમીનાર કક્ષ અને ખેડુતો—સભાસદોને ઓછા દરે ભોજન તેમજ અલ્પાહાર માટે ડાઈનીંગ હોલ, કેન્ટીનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
તેમણે બેંકની નાણાંકિય પ્રગતિના આંકડાકિય વિગતો આપતાં જણાવ્યું હતું કે બેંકે ગત વાર્ષિક રૂા.૨૩ કરોડ ૯૩ લાખથી વધુનો ગ્રોસ નફો કર્યો છે અને તેના ફળસ્વરૂપે બેંકે સભાસદોને ડિવિડન્ડ આપવાનું જાહેર કર્યું છે.
કેન્દ્રિય સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના ‘ સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર ” ના પાયલોટ પ્રોજેકટની વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે આપણી બેંકે જામનગરમાં આ કાર્ય મહદ અંશે સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. બેંકમાં ૨૯ હજાર નવા ખાતાઓ ખોલ્યા છે. બેંકના ૪૦૫ માઈક્રો એ.ટી.એમ.ની સુવિધા ગામડાઓમાં ઉપલબ્ધ કરવામાં આવી છે. બેંકીંગ વ્યવસાય પેપર લેસ કરવાની દિશામાં આગળ વધવાનું ધ્યેય છે. તેમણે કેન્દ્રિય મંત્રી અમિતભાઈ શાહના સતત માર્ગદર્શન અને પ્રોત્સાહનનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે તેઓ માત્ર મંત્રી નહીં પણ સહકારી ચળવળના સૂત્રધાર છે.
૨૦૨૩ થી ચેરમેનપદ સંભાળ્યું ત્યારથી અત્યાર સુધીના કાર્યકાળમાં બેંકના તમામ ડાયરેકટરો, સભાસદો, બેંકના સ્ટાફના સહકાર અને જહેમતના કારણે બેંકની પ્રગતિ માટે ઘણાં કાર્યો થયા છે અને તે માટે શ્રી જીતુભાઈ લાલે સૌનો આભાર માન્યો હતો.
ગુજરાત રાજયના સહકાર વિભાગના મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ લોકાર્પણ સમારોહમાં વર્ચ્યુઅલ સંબોધન કરી જણાવ્યું હતું કે બેંકનું નવું ભવન હાલારમાં સૌને પ્રોત્સાહિત કરનારૂં ભવન બની રહેશે. જામનગર ડિસ્ટ્રીકટ કો.ઓ.બેંકના માધ્યમથી સહકારી ક્ષેત્રે ગ્રામ્ય કલ્યાણ અને ખેડુતોની સમૃધ્ધિના આદર્શ હેતુ સાર્થક થઈ રહયો છે. આ બેંક ખાનગી અને કોર્મશીયલ બેંકોને ટકકર મારે તેવી વ્યવસ્થા સાથે ગૌરવરૂપ બની રહી છે. ગામે ગામ માઈક્રો એ.ટી.એમ.ની સુવિધા આ ક્ષેત્રનું ક્રાંતિકારી પગલું છે. બેંકની વ્યવસ્થામાં વિકાસ પ્રસ્થાપિત થયો તેમજ બેંકના માધ્યમથી સહકારી યોજનાઓમાં મહતમ લાભમળે તે માટે સરકાર અતિ પ્રયત્નશીલ છે. જામનગર ડિસ્ટ્રીકટ કો.ઓ.બેંકનું આ નવું સહકાર ભવન ખેતર સુધી સમૃધ્ધિ લાવવામાં નિમિત બની રહેશે.
આ સમારોહમાં વિશેષ ઉપસ્થિત રહેલા જામનગર જીલ્લાના પ્રભારી મંત્રી અને રાજયના વન-પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે જામનગર ડિસ્ટ્રીકટ કો.ઓ.બેંકના ચેરમેન જીતુભાઈ લાલે કોર્પોરેટ હાઉસનું બિલ્ડીંગ હોય તેવા ભવ્ય, વિશાળ અને આધુનિક ભવનની ભેટ ધરી છે. દેશની આઝાદીના ૭૦ વર્ષ પછી કેન્દ્રમાં સૌ પ્રથમ વખત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સહકાર મંત્રાલય બનાવ્યું અને મંત્રી તરીકેની જવાબદારી દીર્ધદ્રષ્ટા અમિતભાઈ શાહને સોંપવામાં આવી છે અને તેઓના માર્ગદર્શન હેઠળ દેશના ગામડાઓમાં સહકારી પ્રવૃતિઓનું ઝડપથી વિસ્તરણ થઈ રહયું છે અને સહકારી બેંકો સાથે જોડાણ થાય તે માટે ક્રાંતિકારી પગલાં લેવાઈ રહ્યા છે.
જામનગર ડિસ્ટ્રીકટ કો.ઓ.બેંકની નાણાંકિય પ્રગતિની પ્રસંશા કરતાં જણાવ્યું કે બેંકે નફો નોંધાવ્યો છે અને સભાસદોને ડિવિડન્ડ આપવાની જાહેરાત પણ કરી છે જે પ્રગતિ સુચક છે.
તેમણે રાજય સરકારની ખેડુતલક્ષી નીતિની વિગતો આપતાં જણાવ્યું છે માત્ર છેલ્લા બે મહિનામાં રાજયના ખેડુતોના ખાતામાં રૂા.૩૬૫૦૦ કરોડ જમાં કરાવવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર અને રાજય સરકાર દ્વારા સહકારી બેંકના માધ્યમથી ખેડુતો, સભાસદોને વધુને વધુ સારી સુવિધાઓ મળતી રહે તે દિશામાં કાર્ય થઈ રહયું છે.
ગુજરાત સ્ટેટ કો.ઓ.બેંકના ચેરમેન તથા કો.ઓ.બેંક ઓફ ઈન્ડીયાના ચેરમેન શ્રી અજયભાઈ પટેલે લોકાર્પણ સમારોહમાં વર્ચ્યુઅલ સંબોધન કરતાં જણાવ્યું હતું કે આજનો પ્રસંગ હાલાર પંથક માટે ગૌરવનો અવસર છે. મેં અને જીતુભાઈ લાલ તથા તેમની ટીમે નવા ભવનની કલ્પના કરી હતી અને તે કાર્ય ખૂબ જ ઝડપથી પૂર્ણ થયું છે.
તેમણે ખુબ જ મહત્વની બાબતનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે કો.ઓપરેશન ક્ષેત્રને કોર્પોરેટ કલ્ચરમાં લાવવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. દરેક ગામમાં માઈક્રો એ.ટી.એમ. દ્વારા બેન્કીંગની કામગીરી થઈ રહી છે, આવી વ્યવસ્થા ભારત સિવાય વિશ્વમાં ક્યાંય નથી. ગ્રામ્ય પ્રજા, ખેડુતો, સહકારી ક્ષેત્રના માધ્યમથી નાણાંકિય વ્યવહારો કરી જોડાયેલા હે તેવો હેતુ સાર્થક થઈ રહયો છે. સહકારી ક્ષેત્રને આપણે સૌએ નવી ઉચાઈ સુધી લઈ જઈ રહ્યા છીએ. દરેક ગામમાં મંડળી હોવી જોઈએ તેવા સંકલ્પનો ઝડપથી અમલ પણ થઈ રહયો છે. મંડળી કમાણી કરશે તો મંડળીની સાથે, બેંક અને જીલ્લો સમૃધ્ધ થશે.
તેમણે ગુજરાત સ્ટેટ કો.ઓ.બેંક દ્વારા જામનગર ડિસ્ટ્રીકટ કો.ઓ.બેંકના વિકાસ માટે તમામ સહકારની ખાતરી આપવા સાથે ચેરમેન જીતુભાઈ લાલ તથા તેમની ટીમને અભિનંદન આપ્યા હતાં.
હાલારના લોકપ્રિય સાંસદ પૂનમબેન માડમ પણ હાલ સંસદના ચોમાસુ સત્રમાં દિલ્હીમાં હોવાથી તેમણે લોકાર્પણ સમારોહમાં વર્ચ્યુઅલી ઉદબોધન કરી જામનગર ડિસ્ટ્રીકટ કો.ઓ.બેંકના ચેરમેન જીતુભાઈ લાલ તથા બોર્ડ ઓફ ડાયરેકટર્સને નવા ભવનની ભેટ ધરવા બદલ અભિનંદન આપ્યા હતાં.
ભારત અને ગુજરાતમાં સહકારી ક્ષેત્રે ખુબ લાંબી યાત્રા પછી હવે સહકારી ક્ષેત્ર વધુ મજબુત અને સમૃધ્ધ બની રહયું છે. દેશના ખેડુતો તથા બેંકના ખાતેદારો સમૃધ્ધ બને તે માટે સહકારી બેંકો પ્રગતિ કરી રહી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સહકારી ક્ષેત્રમાં ખુબ મોટા પરિવર્તનો અપાવ્યા છે. ગામે ગામ સહકારી પ્રવૃતિઓ, સહકારી બેકિંગ પ્રવૃતિઓનો વ્યાપ વધે અને સુચારૂ વ્યવસ્થા ઉભી થાય તે માટે સતત કાર્ય થઈ રહયું છે.
જામનગર ડિસ્ટ્રીકટ કો.ઓ.બેંકનું આ ભવન સૌથી આશા-અપેક્ષા અને સ્વપ્નોને પૂર્ણ કરવાનું કેન્દ્ર બની રહેશે. બેંકિગ ક્ષેત્રે વિશ્વાસ ખુબ મહત્વની બાબત છે. આ બેંકે સૌનો વિશ્વાસ પ્રાપ્ત કરીને તેના વિકાસના લક્ષ્યાંકો પ્રાપ્ત કર્યા છે. ડીજીટલાઈઝેશન અને નિયમીત ઓડીટ વિગેરે મુદાઓના કારણે બેંકિગ પ્રમાણિકતા અને પારદર્શિતા તેમજ બેંકની નાણાંકિય સધ્ધરતાના આંકડા પણ સંતોષકારક પ્રગતિ સૂચવે છે. તેમણે હાલારની સમગ્ર જનતા વતી બેંકની સંચાલક ટીમને નવા ભવનની સુવિધા આપવા બદલ અભિનંદન અને શુભેચ્છા પાઠવ્યા હતાં.
ગુજરાત રાજયના પૂર્વ કેબીનેટ મંત્રી, વર્તમાન ધારાસભ્ય અને ડિસ્ટ્રીકટ કો.ઓ.બેંકના ડાયરેકટર શ્રી રાધવજીભાઈ પટેલી સમાહોરમાં ઉપસ્થિત રહી સબંધોન કરતાં જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સહકારથી સમૃધ્ધિના સૂત્રને સાર્થક કરવા રાજયના મુખ્યમંત્રી, સહકારમંત્રી સતત પ્રયાસો કરી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં સહકારી મંડળીઓની સ્થાપના થાય અને સહકારી બેંક સાથે જોડાય તો બેંક મજબુત બનશે અને ખેડૂતો, પશુપાલકો વિગેરેને સમૃધ્ધ બનાવવા ઉપયોગી બનશે. અતિ આધુનિક સુવિધા સાથેના બેંકના નવા ભવનના નિર્માણ માટે બેંકની સંચાલક ટીમને અભિનંદન આપ્યા હતાં.
ગુજરાત રાજયના પૂર્વ કેબીનેટ મંત્રી, ખંભાળીયા-ભાણવડના ધારાસભ્ય અને બેંકના ડાયરેકટર શ્રી મુળુભાઈ બેરાએ સમારોમાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે આપણા હાલારવાસીઓ માટે આજે આનંદ અ ને ગૌરવનો પ્રસંગ છે. જામનગર શહેરમાં બેડી ગેઈટ પાસેના ગીચ વિસ્તારમાંથી આ નવા સ્થળે વિશાળ જગ્યા પર, સૌને આવવા-જવામાં સરળતા રહે તે ધ્યાને રાખીને ભવ્ય, આકર્ષક અને અતિ આધુનિક સાધન સુવિધાથી સજજ ભવનનું નિર્માણ બેંકની પ્રગતિનું પરિણામ છે. હાલારના બન્ને જીલ્લામાં બેંકની શાખાઓ હવે ધીમે ધીમે પોતાની માલીકીની જગ્યા અને બિલ્ડીંગમાં કાર્યરત થઈ રહી છે. આ બેંકની સુવિધા–વ્યવસ્થા–કામગીરી કોર્મશીયલ બેંકોની સાથે સ્પર્ધા કરી શકે તે કક્ષાએ પહોંચી છે. તેમણે સૌને સહકારથી સમૃધ્ધિના મંત્રને સિધ્ધ કરવા, ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ગુજરાતના રાજયકક્ષાના શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં તેમજ ધારાસભ્યો શ્રી મેઘજીભાઈ ચાવડા અને શ્રી દિવ્યેશભાઈ અકબરી, મેયર શ્રીમતી મોનીકાબેન વ્યાસ, જામનગર જીલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રંજનબેન જીવાણી, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી આશાબેન નકુમ, જામનગર જીલ્લા ભાજપ પ્રમુખ ડો.વિનોદભાઈ ભંડેરી, દ્વારકા જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયુરભાઈ ગઢવી, જામનગર શહેર ભાજપ પ્રમુખ શ્રીમતી બિનાબેન કોઠારી, જામનગર જીલ્લા સહકારી બેંકના વાઈસ ચેરમેન શ્રી બળદેવસિંહ જાડેજા, મેનેજીંગ ડાયરેકટર શ્રી ધરમશીભાઈ ચનીયારા તેમજ જીલ્લા કલેકટર શ્રી પી.બી.પંડયા, જામનગર મ્યુનિ.કમિશ્નર શ્રી દિપેશ કેડીયા અને ડી.ડી.ઓ.સુ.શ્રી નિશા મેડમ, દેવભૂમિ દ્વારકા જીલ્લા ભાજપ પ્રભારી પૂનિત શર્મા, પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ, પૂર્વ મંત્રી ચિમનભાઈ શાપરીયા, તત્કાલીન પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, બેંકના પૂર્વ ચેરમેન બ્રિજરાજસિંહ જાડેજા તેમજ જામનગર જીલ્લા સહકારી બેંકના ડાયરેક્ટરો, ગુજકોમાસોલના ડાયરેકટરો, એ.પી.એમ.સી.ના હોદેદારો અને ડાયરેકટરો, વિવિધ જીલ્લા સંધ અને તાલુકા સંધના હોદેદારો, દુધ મંડળી તેમજ શહેરી સહકારી બેંકોના ચેરમેનો, વિવિધ સહકારી સંસ્થાના હોદેદારો ઉપરાંત બેંકના સભાસદો, ખેડુતો – પશુપાલકો અને હાલારના ગ્રામ્ય પંથકના અગ્રણીઓ અને નાગરિકો તેમજ બેંક કર્મીઓ વિગેરે ઉપસ્થિત રહયા હતાં.

