બદલાતા સમયની સાથે હવે ભારતીય ન્યાય પ્રણાલી અત્યાધુનિક ટેકનોલોજી અપનાવી રહી છે. સુરતની ફેમિલી કોર્ટમાં એક અનોખો અને અતિ મહત્વપૂર્ણ કિસ્સો સામે આવ્યો છે, જેમાં સાત સમુદ્ર પાર બે અલગ-અલગ દેશમાં વસતા પતિ-પત્નીએ ભારત આવ્યા વિના જ ડિજિટલ માધ્યમથી છૂટાછેડા મેળવ્યા છે.
કેનેડામાં સ્થાયી થયેલી યુવતી અને સીએરા લિઓન (વેસ્ટ આફ્રિકા)માં રહેતા યુવકની વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જુબાની લઈને સુરત ફેમિલી કોર્ટે છૂટાછેડાના દાવા પર મંજૂરીની મહોર મારી દીધી છે.
વર્ષ 2015માં લગ્ન, મતભેદ થતાં 2023થી અલગ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, શહેરના મહીધરપુરામાં રહેતા રાહુલના લગ્ન વર્ષ 2015માં ઉતરાણમાં રહેતી સીમા (બંને પક્ષકારોના નામ બદલ્યા છે) સાથે થયા હતા. લગ્નના કેટલાક વર્ષો સુધી બધું બરાબર ચાલ્યા બાદ બંને વચ્ચે વૈચારિક મતભેદો ઊભા થયા હતા.
સમય જતાં મતભેદો વધતાં માર્ચ 2023થી બંને એકબીજાથી અલગ રહેવા લાગ્યા હતા. ત્યારબાદ રોજગાર અને કામકાજના અર્થે પતિ સીએરા લિઓન (વેસ્ટ આફ્રિકા) અને પત્ની કેનેડા જતી રહી હતી. કાયમ માટે અલગ થવાનો નિર્ણય લીધા બાદ બંનેએ સુરતની કોર્ટમાં પાવર ઑફ એટર્ની મારફતે છૂટાછેડા માટે દાવો દાખલ કર્યો હતો.
રૂબરૂ હાજરી અને સોગંદનામાનો ઉપસ્થિત થયો પ્રશ્ન આ કેસમાં પતિ તરફે એડવોકેટ દેવાંગ કંસારા અને પત્ની તરફે એડવોકેટ અશ્વિન જોગડિયાએ કોર્ટ સમક્ષ રજૂઆતો કરી હતી. કાનૂની કાર્યવાહી દરમિયાન જ્યારે કેસ પુરાવાના સ્ટેજ પર પહોંચ્યો, ત્યારે બંને પક્ષકારોએ રૂબરૂ કોર્ટમાં હાજર રહેવું અથવા તો જે-તે દેશની ભારતીય એમ્બેસી મારફતે હાજર રહીને સોગંદનામું કરવું પડે તેવો જટિલ પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. બંને પક્ષકારો માટે વિદેશથી ભારત આવવું અથવા એમ્બેસીના ધક્કા ખાવા સમય અને આર્થિક રીતે ખૂબ જ પડકારજનક હતા.

