Gujarat

સુરત જિલ્લા પોલીસના કોન્સ્ટેબલે ‘પ્રસ્થાન’ એપ બનાવી

સુરત ગ્રામ્ય પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ જીગર ઈશ્વરભાઈ રબારીએ પોલીસ વિભાગની કામગીરીને વધુ સરળ, ઝડપી અને પારદર્શક બનાવવા માટે ‘પ્રસ્થાન’ નામની ડિજિટલ એપ્લિકેશન તૈયાર કરી છે. પલસાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જીગરભાઈની આ પહેલ પોલીસ જવાનો માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ રહી છે.

આ એપનો મુખ્ય હેતુ પોલીસકર્મીઓની રોજિંદી વહીવટી કામગીરીનું ડિજિટલાઈઝેશન કરવાનો છે. ‘પ્રસ્થાન’ એપ દ્વારા પોલીસ કર્મીઓના ટ્રાવેલ એલાઉન્સ (TA) ક્લેમની પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ બની છે. આ ઉપરાંત, દૈનિક ડ્યુટીની નોંધ રાખવી પણ સરળ બની છે.

એપ ઓટોમેટિક રીતે પ્રોફેશનલ PDF રિપોર્ટ્સ જનરેટ કરી શકે છે, જેનાથી કલાકોનું કામ હવે મિનિટોમાં પૂર્ણ થાય છે. નોંધનીય છે કે, આ એપ શૂન્ય બજેટમાં તૈયાર કરવામાં આવી છે, જે જીગરકુમારની ટેકનોલોજી પ્રત્યેની નિષ્ઠા અને કુશળતા દર્શાવે છે. આ એપ માત્ર સુરત ગ્રામ્ય પૂરતી સીમિત નથી. તેનો ઉપયોગ હવે કચ્છથી લઈને વલસાડ સુધીના ગુજરાતના અનેક પોલીસ સ્ટેશનોમાં થઈ રહ્યો છે, જે તેની સફળતા અને વ્યાપક સ્વીકૃતિ દર્શાવે છે.