Gujarat

શ્રાવણના બીજા સોમવારે સોમનાથ મહાદેવનો ‘શૌર્ય શૃંગાર

પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવાર અને શ્રાવણ સુદ દ્વાદશીના શુભ અવસરે, દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને વિશેષ ‘શૌર્ય શૃંગાર’ કરવામાં આવ્યો હતો. રત્નાકર તટે બિરાજમાન ભગવાન સોમનાથના આ અલૌકિક શૃંગારમાં શિવજીના શૌર્ય અને દિવ્ય શક્તિની ઝાંખી જોવા મળી હતી.

આ વિશેષ શૌર્ય શૃંગારમાં ભગવાન સોમનાથને ત્રિશૂળ, પરશુ, ગદા, પદ્મ, ખડગ, ધનુષ, શંખ, બાણ, ચક્ર, પંચ અને ભાલા જેવા વિવિધ દિવ્ય શસ્ત્રોથી સુશોભિત કરવામાં આવ્યા હતા. શસ્ત્રોથી સજ્જ સોમનાથ મહાદેવનું વીર સ્વરૂપ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

ભગવાન શિવના પરાક્રમ અને શક્તિનું પ્રતીક બની રહેલા આ શૃંગારના દર્શન માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શૌર્ય શૃંગારના દર્શન દરમિયાન મંદિર પરિસર ‘હર હર મહાદેવ’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.

શ્રાવણ માસના બીજા સોમવાર નિમિત્તે સોમનાથ મહાદેવના દર્શન માટે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. મંદિર ખુલ્યા બાદથી સાંજની આરતી સુધીમાં કુલ 1.36 લાખ ભાવિકોએ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.