વડોદરાના અકોટા વિસ્તારમાં છેલ્લા 15 વર્ષથી ક્લિનિક ચલાવી દર્દીઓને એલોપેથીક દવાઓ અને ઇન્જેક્શન આપતા બોગસ તબીબનો પર્દાફાશ થયો છે. LCB ઝોન-2ની ટીમે અકોટા ગાર્ડનની સામે આવેલી પ્રોમીલા ક્લિનિકમાં રેડ કરી હતી અને માન્ય તબીબી ડિગ્રી કે રજીસ્ટ્રેશન વગર જ પ્રેક્ટિસ કરતા 45 વર્ષીય બિસ્વજીત પ્રફુલ્લા હાલદારને ઝડપી પાડ્યો છે.
ક્લિનિકમાંથી દવાઓ, ઇન્જેક્શન અને મેડિકલ સાધનો સહિત 1.18 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.10 પાસ બોગસ ડોક્ટર લોકોને દવા આપીને સારવાર કરતો હતો અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો.
LCBનો ક્લિનિક પર દરોડો LCB ઝોન 2ની ટીમને બાતમી મળી હતી કે, પ્રોમીલા ક્લિનિકમાં બિસ્વજીત હાલદાર કોઈ માન્ય તબીબી ડિગ્રી કે રજીસ્ટ્રેશન વિના દર્દીઓની સારવાર કરે છે અને એલોપેથીક દવાઓ આપે છે. આ બાતમીના આધારે LCB ઝોન-2ની ટીમે મેડિકલ ઓફિસરની હાજરીમાં ક્લિનિક પર દરોડો પાડ્યો હતો.
15 વર્ષથી ક્લિનિક ચલાવીને એલોપેથીક દવાઓ-ઇન્જેક્શનનો ઉપયોગ કરતો તપાસ દરમિયાન આરોપીએ 15 વર્ષથી ક્લિનિક ચલાવતો હોવાનું જણાવ્યું હતું. જોકે તબીબી પ્રેક્ટિસ માટે જરૂરી માન્ય પ્રમાણપત્ર કે રજીસ્ટ્રેશન અંગે પૂછપરછ કરતા કોઈ માન્ય પ્રમાણપત્ર ન હોવાનું સામે આવ્યું છે. મેડિકલ ઓફિસરની તપાસમાં પણ આરોપી એલોપેથીક દવાઓ અને ઇન્જેક્શનનો ઉપયોગ કરીને તબીબી પ્રેક્ટિસ કરતો હોવાનું બહાર આવ્યું છે.

