Gujarat

સમઢિયાળામાં 80 ફૂટ ઊંડા કુવામાં સિંહ ખાબક્યો

ગીર પૂર્વ વન વિભાગ હેઠળ આવતી જસાધાર રેન્જના ગીર ગઢડા તાલુકાના નાના સમઢિયાળા ગામે ખેતરમાં આવેલા ખુલ્લા કૂવામાં અંદાજે 2 થી 3 વર્ષનો સિંહ પડી જતા રેસ્ક્યુ કરાયું હતુ. નાના સમઢિયાળા ગામે હિંમતભાઈ વાલજીભાઈ રાખોલિયાના ખુલ્લા ખેતરમાં આવેલા કૂવામાં સિંહ પડી ગયો હોવાની માહિતી મળતાં જ જસાધાર રેન્જના જસાધાર રાઉન્ડનો સ્ટાફ તેમજ તુલસીશ્યામ રેન્જના રબારીકા રાઉન્ડનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો.

બંને રેન્જના કર્મીએ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યા બાદ ગામલોકોના સહયોગથી સાવચેતી પૂર્વક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. ખુલ્લા કૂવામાં પડેલા સિંહને બહાર કાઢવા માટે વન વિભાગના કર્મચારીઓએ જરૂરી તકેદારી રાખી હતી.અને પાંજરા ને કૂવા નજીક મૂકેલ અને કૂવો પણ 80 ફૂટ ની ઊંડાઈ ધરાવતો ખુલ્લો કૂવો હોવાથી રેસ્ક્યુ કરવામાં પણ પૂરેપૂરી સાવચેતી રાખવી પડતી હોય છે અંતે લાંબી જહેમત બાદ સિંહને સુરક્ષિત રીતે કૂવામાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી. રેસ્ક્યૂ દરમિયાન સિંહને કોઈ નુકસાન ન થાય અને આસપાસના લોકો પણ સુરક્ષિત રહે તે માટે ખાસ કાળજી રાખવામાં આવી હતી.