Gujarat

સોની વેપારીઓને ઠગતી ટોળકીના બે સાગરીત ઝડપાયા

જામનગર LCBએ સોની વેપારીઓ સાથે દાગીના ઘરે બતાવવાના બહાને ઠગાઈ કરતી ટોળકીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે બે આરોપીઓને ₹3.79 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈનીની માર્ગદર્શિકા હેઠળ કરવામાં આવી હતી.

LCB પીઆઈ વી.બી.ચૌધરી અને પીએસઆઈ એમ.વી.ભાટીયાની ટીમે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સોર્સિસના આધારે આ આરોપીઓને પકડી પાડ્યા હતા. આ ટોળકીએ કાલાવડ ટાઉન અને ઉપલેટા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચીટિંગના ગુના આચર્યા હતા.

આરોપીઓ સોનીની દુકાન નજીક ખાલી દુકાનો ભાડે રાખતા હતા. તેઓ ત્યાં ડિસ્પોઝલ આઇટમ્સ જેવી ઓછી કિંમતની વસ્તુઓનો વેપાર શરૂ કરતા હતા. આ રીતે તેઓ સોની વેપારીઓ સાથે અવરજવર વધારી વિશ્વાસ કેળવતા હતા.

ઠગાઈ માટે તેઓ નકલી નામોનો ઉપયોગ કરતા હતા. અમરેલીમાં ‘શિવ ટ્રેડર્સ’ નામથી દુકાન શરૂ કરી પોતાનું નામ કુમાર પંડ્યા આપ્યું હતું. ઉપલેટામાં ‘દર્શન ટ્રેડર્સ’ નામથી દુકાન રાખી દર્શન મહેતા તરીકે ઓળખ આપી હતી, જ્યારે કાલાવડમાં ‘સાગર ટ્રેડર્સ’ નામથી દુકાન શરૂ કરી સાગર મહેતા તરીકે ઓળખ આપી હતી.

વિશ્વાસ કેળવાયા બાદ, તેઓ શરૂઆતમાં પત્નીને બતાવવાના બહાને નાની કિંમતના દાગીના લઈ જતા અને તેના નાણાં સમયસર ચૂકવી દેતા. સંપૂર્ણ વિશ્વાસ બેસી ગયા પછી, તેઓ મોટી કિંમતના દાગીના “ઘરે બતાવીને આવું છું” કહીને લઈ જતા અને પછી રફુચક્કર થઈ જતા હતા.

ઝડપાયેલા આરોપીઓમાં સુરેશભાઈ કાનજીભાઈ ઠાક્કર (ઉંમર ૪૬, ધંધો-જમીન લે-વેચ દલાલી, રહે. ભાવનગર, મૂળ કલ્યાણપુર) અને જગદીશ અમૃતલાલ ભટ્ટ (ઉંમર ૩૯, ધંધો-મજૂરી, રહે. ગોકુલ નગર, જામનગર) નો સમાવેશ થાય છે.