વડોદરા શહેરમાં આગામી તહેવારોને અનુલક્ષીને નાગરિકોના આરોગ્યની સુરક્ષા તેમજ ખાદ્યપદાર્થોની શુદ્ધતા અને સ્વચ્છતા સુનિશ્ચિત કરવા માટે વડોદરા મહાનગરપાલિકા (VMC) ની ખોરાક શાખા દ્વારા સઘન તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનરના આદેશ તેમજ અધિક આરોગ્ય અમલદારના માર્ગદર્શન હેઠળ સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમે વાસણા-ભાયલી રોડ, ઓલ્ડ પાદરા રોડ, કારેલીબાગ, મુક્તાનંદ સર્કલ અને સમા-સાવલી રોડ પર આવેલા કુલ 6 જેટલા જાણીતા ખાદ્ય એકમોનું ઓચિંતું ઇન્સ્પેક્શન કર્યું હતું.
આ ડ્રાઇવ દરમિયાન પનીર અને પ્રીપેર્ડ ફૂડના શંકાસ્પદ નમૂનાઓ લેબ ટેસ્ટિંગ માટે લેવાયા હતા. સાથોસાથ ગંભીર ક્ષતિઓ બદલ 2 એકમોને શેડ્યૂલ-4 ની નોટિસ પાઠવી, વોર્ડ સ્ટાફ સાથેની સંયુક્ત કામગીરીમાં ₹15,000 નો દંડ વસૂલવામાં આવ્યો હતો તેમજ 80 કિલો અખાદ્ય પદાર્થનો સ્થળ પર જ નાશ કરી 1 યુનિટ તાત્કાલિક બંધ કરાવાયું હતું.
તપાસ દરમિયાન વાસણા-ભાયલી રોડ પર આવેલા ‘પીઝા પોઇન્ટ’ રેસ્ટોરન્ટમાં કિચન અને સ્ટોરેજ એરિયામાં ભારે ગંદકી તથા અસ્વચ્છ પરિસ્થિતિ જણાતાં ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ શેડ્યૂલ-4 ની કડક નોટિસ આપવામાં આવી હતી. આ ઉપરાંત સમા-સાવલી રોડ પર સ્થિત ‘હરીઓમ દાલબાટી’ રેસ્ટોરન્ટમાં પણ હાઇજિનના નિયમોનો ઉલ્લંઘન સામે આવતાં સંચાલકને શેડ્યૂલ-4 ની નોટિસ ફટકારવામાં આવી હતી તેમજ સ્થળ પર જ ₹5,000 નો વહીવટી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

