વડોદરાના ફર્ટિલાઇઝરનગર ખાતે GSFC યુનિવર્સિટીનો 8મો ભવ્ય પદવીદાન સમારોહ ઉત્સાહભર્યા માહોલમાં યોજાયો હતો. આ દીક્ષાંત સમારોહમાં યુનિવર્સિટીની સ્કૂલ ઑફ ટેક્નોલોજી, સ્કૂલ ઑફ સાયન્સ તેમજ સ્કૂલ ઑફ મેનેજમેન્ટ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપના કુલ 815 સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી.
ડિગ્રી મેળવનારાઓમાં 488 વિદ્યાર્થીઓ અને 327 વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે. શૈક્ષણિક ઉત્કૃષ્ટતા ક્ષેત્રે દીકરીઓએ ફરી એકવાર પોતાનો દબદબો સાબિત કરતાં સમારોહમાં એનાયત કરાયેલા કુલ 17 ગોલ્ડ મેડલમાંથી 12 ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા હતા, જ્યારે 15 તેજસ્વી વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ સિલ્વર મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ટેક્નોલોજી અને નૈતિકતાથી રાષ્ટ્ર નિર્માણ કરો સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા DRDOના પૂર્વ ડિરેક્ટર જનરલ અને નીતિ આયોગના પૂર્વ સભ્ય પદ્મ ભૂષણ ડૉ. વી. કે. સારસ્વતે તેજસ્વી વિદ્યાર્થીઓને મેડલ અને પ્રશસ્તિપત્રો એનાયત કર્યા હતા.
તેમણે વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે ‘વિકસિત ભારત @ 2047’ના નિર્માણમાં યુવા પેઢી, ઇનોવેશન અને આધુનિક ટેક્નોલોજી સૌથી નિર્ણાયક ભૂમિકા ભજવશે. તેમણે ઝડપથી બદલાતા આજના ડિજિટલ યુગમાં સતત શીખતા રહેવા, વૈજ્ઞાનિક અભિગમ કેળવવા તેમજ ચારિત્ર્ય અને ઈમાનદારી જાળવી રાખીને પોતાના જ્ઞાનનો સાર્થક ઉપયોગ સમાજના જટિલ પડકારો ઉકેલવા માટે કરવા આહ્વાન કર્યું હતું.

