વડોદરા શહેરના જાંબુવા બ્રિજથી તરસાલી બ્રિજ તરફ જતા નેશનલ હાઇવે-48 પર ગોકુલ કટ પાસે મોડી રાત્રે એક અકસ્માત સર્જાયો હતો. જેમાં રસ્તો ક્રોસ કરી રહેલા 31 વર્ષીય યુવકને પૂરપાટ ઝડપે આવતા એક અજાણ્યા વાહનચાલકે જોરદાર ટક્કર મારી હતી.
અકસ્માતમાં યુવકને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અકસ્માત સર્જી વાહનચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસમાં વરસાડા, ધન્યાવી અને દશરથ નજીક અલગ-અલગ અકસ્માતમાં કુલ 4 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
હોટલ સામેથી રોડ ક્રોસ કરી રહ્યા હતા મૂળ ઉત્તરપ્રદેશના ફર્રુખાબાદ જિલ્લાના અને છેલ્લા એક દાયકાથી વડોદરામાં રહેતા 31 વર્ષીય પ્રવેંદ્રસિંહ દેવપાલસિંહ 28 ઓગસ્ટની રાત્રે 11:45 વાગ્યાના સુમારે હાઈવે પર મહાસાગર હોટેલ સામેથી પગપાળા રોડ ક્રોસ કરી રહ્યા હતા.
તે દરમિયાન જાંબુવા તરફથી આવી રહેલા અજાણ્યા વાહને તેમને અડફેટે લીધા હતા. બનાવની જાણ થતાં જ એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલમાં ખસેડાયો હતો.

