Gujarat

કાપડ વેપારી સાથે છેતરપિંડી કરનાર દલાલ, 8 વર્ષથી વોન્ટેડ બૂટલેગર અને સચિનમાંથી 11 જુગારીઓ ઝડપાયા

સુરત શહેર પોલીસે અસામાજિક તત્વો અને ગુનાખોરી સામે લાલ આંખ કરીને ત્રણ અલગ-અલગ વિસ્તારોમાં સફળ કાર્યવાહી પાર પાડી છે. શહેર પોલીસ કમિશનરની સૂચના હેઠળ સારોલી પોલીસ, ઝોન-7 LCB અને સચિન પોલીસ સ્ટેશનની ટીમોએ સપાટો બોલાવ્યો હતો. આ સંયુક્ત ઓપરેશન દરમિયાન કાપડના વેપારી સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરનાર દલાલ, પ્રોહિબિશન કેસમાં છેલ્લા 8 વર્ષથી વોન્ટેડ લિસ્ટેડ ગુનેગાર તેમજ જાહેર માર્ગ પર જુગાર રમતા 11 શખ્સો સહિત મોટા પ્રમાણમાં મુદ્દામાલ ઝડપી લેવામાં સુરત પોલીસને મોટી સફળતા સાંપડી છે.

કાપડ વેપારી સાથે 4.38 લાખની છેતરપિંડી કેસમાં દલાલની ધરપકડ સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાવઠીયા ઇન્ડસ્ટ્રીઝના ભાગીદાર યોગેશભાઇ કાવઠીયા પાસેથી શિવ કૃપા સિલ્ક મિલ્સના સંચાલકો અને દલાલ બજરંગી મિશ્રાએ મળીને કુલ 7,60,712નો ગ્રે કાપડનો મોટો જથ્થો મંગાવ્યો હતો. ત્યારબાદ માત્ર અંશતઃ રકમ ચૂકવી બાકીના 4,38,342ની રકમ ચૂકવ્યા વગર દુકાનનું શટર પાડી ઉઠામણું કરી દેવાયું હતું.

સારોલી પોલીસે બાતમી અને ટેક્નિકલ વર્કઆઉટના આધારે મુખ્ય દલાલ આરોપી બજરંગી જગદીશ મિશ્રાને ગોડાદરા વિસ્તારમાંથી દબોચી લીધો છે, જ્યારે તેની સાથે સંડોવાયેલા અન્ય બે ભાગીદાર આરોપીઓ વસંતકુમાર પટેલ અને સાહિલ પટેલને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.