સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) માં ફરજ બજાવતી HIV ગ્રસ્ત મહિલા કર્મચારીને કોર્ટના સ્પષ્ટ આદેશ છતાં સમયસર પ્રમોશન અને એરિયર્સના લાભ ન આપવાના મામલે ગુજરાત હાઇકોર્ટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય સામે લાલ આંખ કરી છે. અગાઉ કોર્ટે મહિલા અધિકારીના પક્ષમાં ચુકાદો આપીને તેમના જુનિયર્સને પ્રમોશન મળ્યું તે તારીખથી તમામ નાણાકીય લાભ આપવા આદેશ કર્યો હતો, તેમ છતાં ઓથોરિટી દ્વારા યોગ્ય અમલ ન થતાં હાઇકોર્ટે સખત નારાજગી વ્યક્ત કરી છે.
કોર્ટે ગૃહ મંત્રાલયની ભેદભાવપૂર્ણ નીતિની આકરી ઝાટકણી કાઢતાં ચેતવણી આપી છે કે, જો નિર્ધારિત સમયમાં કોર્ટના હુકમનું પાલન નહીં થાય તો કેન્દ્રીય ગૃહ સચિવ સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
શેપ-1 કેટેગરીના નામે પ્રમોશનથી વંચિત રાખવાનો વિવાદ મહિલા અરજદારે એડવોકેટ સ્વપ્નેશ્વર ગૌતમ મારફતે હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને CRPFમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ (મિનિસ્ટ્રીઅલ) પોસ્ટના પ્રમોશન માટેના વર્ષ 2011ના નિયમોને પડકાર્યા હતા. અરજદાર HIVગ્રસ્ત હોવાના કારણે મેડિકલ બોર્ડે તેઓ ‘શેપ-01’ કેટેગરીમાં આવતા ન હોવાનું જણાવી પ્રમોશન આપવાનો ઇનકાર કર્યો હતો.
આ સામે હાઇકોર્ટે અગાઉ સ્પષ્ટ નોંધ્યું હતું કે, અરજદાર સાથે ખુલ્લો ભેદભાવ થયો છે અને તેમના જુનિયર્સને પ્રમોશન આપી દેવાયું છે, જેથી અરજદારને પણ પાછલી અસરથી તમામ પ્રમોશનલ લાભ અને એરિયર્સ ચૂકવવાનો આદેશ કરાયો હતો.

