Gujarat

રાજકોટનો ‘વિરાસતથી વિકાસ’ લોકમેળો ચડ્યો ચકડોળે

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાનો આજથી 5 દિવસ માટે પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે મેળાના ઉદ્ઘાટનના 4 કલાક પૂર્વે એક પણ યાંત્રિક રાઇડસને મંજૂરી આપવામાં આવી નથી જેના કારણે સતત બીજા વર્ષે રાજકોટનો લોકમેળો ચકડોળે ચડ્યો છે.

જો કે નિયમ મુજબ જરૂરી ડોક્યુમેન્ટ્સ પૂર્ણ કરી દેવામાં આવશે અને સેફટી એન્ડ ઇન્સ્પેક્શન કમિટી દ્વારા હકારાત્મક અભિપ્રાય આપવામાં આવશે ત્યારબાદ રાઇડસને મંજૂરી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આજે સાંજે મેળાને મંત્રી જીતુ વાઘાણીના હસ્તે ખુલ્લો મુકવામાં આવશે અને આજે લોકગાયક ગોપાલ ભરવાડની સાથે નેવી બેન્ડ દ્વારા લોકોને મનોરંજન પૂરું પાડવામાં આવશે.

રાજકોટ શહેરમાં યોજાતા લોકમેળામાં રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી લોકો આવતા હોય છે. આ 5 દિવસીય મેળામાં કુલ 15 લાખ જેટલા લોકો આવવાનો અંદાજ છે ત્યારે દિવ્ય ભાસ્કર રાજકોટના મેળામાં આવતા લોકોને ખાસ જણાવી રહ્યું છે કે આસાનીથી લોકમેળામાં કેવી રીતે પહોંચી શકશે.

જો કોઈ લોકો રાજકોટ રેલવે જંકશન ખાતે ઉતરે તો ત્યાંથી તેઓ રિક્ષા અથવા ચાલીને રેસકોર્સ મેદાન સ્થિત મેળામાં પહોંચી શકે છે. રેલવે જંકશનથી લોકો રૂડા બિલ્ડીંગ રસ્તેથી પોલીસ હેડક્વાર્ટર તરફ પહોંચી મેળામાં પ્રવેશ મેળવી શકે છે. જ્યારે બસપોર્ટ ખાતેથી કોઈ લોકો મેળા સુધી પહોંચવા માંગતા હોય તો તેઓ રિક્ષા અથવા સિટીબસ મારફત જિલ્લા પંચાયત ચોક સુધી પહોંચી શકે છે અને તેઓ ત્યાંથી ચાલીને મેળામાં પ્રવેશ મેળવી શકે છે.

રાજકોટ શહેર ડીસીપી ક્રાઇમ અને સ્પેશિયલ બ્રાન્ચ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, રાજકોટના લોકમેળામાં લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી રાઇડ્સ માટે SOPની કડક અમલવારી ચોક્કસ કરવામાં આવશે.

પરવાનગી માટે 11 અરજદારો દ્વારા કુલ 34 યાંત્રિક રાઇડ્સ માટે મંજૂરી માંગવામાં આવી છે જેની અલગ અલગ વિભગના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે જે તપાસ પૂર્ણ થયે હકારાત્મક રિપોર્ટ મળશે ત્યાર બાદ યાંત્રિક રાઇડસને મંજૂરી આપવામાં આવશે. આજે બપોરના 12 વાગ્યા સુધી એક પણ રાઇડસને મંજૂરી આપવામાં આવી નથી સાંજ સુધી સંચાલકો દ્વારા નિયમ મુજબ ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવશે તો તેમને મંજૂરી આપવામાં આવશે.