Gujarat

કાલોલમાં પરિણીતા પર દુષ્કર્મ કેસમાં 3 આરોપીઓને 20 વર્ષની કેદ

પંચમહાલ જિલ્લાના કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરિણીતા પર આચરાયેલા સામૂહિક દુષ્કર્મના ગંભીર કેસમાં હાલોલની એડીશનલ સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે ગુનામાં સંડોવાયેલા ત્રણેય આરોપીઓને દોષિત ઠેરવીને 20 વર્ષની સખત કેદ અને રૂ. 25,000 ના દંડની સજા ફટકારી છે.

 

રસ્તા પર જઈ રહેલી પીડિતાને આંતરીને આરોપીઓએ મોઢું દબાવી નજીકના પડતર ખેતરમાં ઢસડી જઈ વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત આરોપીઓએ પોતાના મોબાઈલમાં વાંધાજનક ફોટા પાડી લઈ વાત જાહેર કરશે તો ફોટા વાયરલ કરવાની અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

બનાવ અંગે પીડિતાએ કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપીઓને જેલભેગા કર્યા હતા. કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલે FSL ગાંધીનગર અને સુરતના રિપોર્ટ, સાક્ષીઓ તથા તપાસ અધિકારીની જુબાનીના આધારે મજબૂત રજૂઆતો કરી આરોપીઓને સજા અપાવી હતી.