વડોદરા શહેરમાં સેકન્ડ હેન્ડ કાર વેચવા માટે આપ્યા બાદ ગાડી પરત ન આપીને, છેતરપિંડી આચરવા અને જાનથી મારી નાખવાની ધમકી આપી કાર પચાવી પાડવાનો મામલો સામે આવ્યો છે. માંજલપુર વિસ્તારમાં રહેતા અને સેલ્સ મેનેજર તરીકે નોકરી કરતા યુવકે પ્રીતી ઓટો ગેરેજના સંચાલક વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ગાડી પર ત્રણ લાખની લોન લીધી હતી શહેરના માંજલપુર વિસ્તારમાં કિશન આઈકોન સામે રહેતા અને ફતેગંજની કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરતા સન્ની પ્રેમચંદ પટીયાલે વર્ષ 2023માં વડસર સ્થિત આશીર્વાદ મોટર્સમાંથી સેકન્ડ કાર ₹ 59,000 રોકડા આપીને ખરીદી હતી. બાદમાં નવું ઘર ખરીદવા માટે તેમણે શ્રીરામ ફાઈનાન્સમાંથી આ ગાડી પર 3 લાખની લોન લીધી હતી અને નિયમિત હપ્તા ભરતા હતા. જો કે, અલગ-અલગ નાણાકીય મુશ્કેલીઓના કારણે લોનના હપ્તા ભરવામાં અસમર્થ બનતા તેમણે આ ગાડી વેચી દેવાનું નક્કી કર્યું હતું.
હપ્તા ન ભરી શકતા ગેરેજમાં ગાડી વેચવા માટે આપી ફરિયાદીના બનેવી એથેશામ ચૌહાણની ભલામણથી પ્રતાપનગર હુડા ONGC ગેટ પાસે ડેરી રોડ પર ‘પ્રીતી ઓટો ગેરેજ’ ચલાવતા રવિસિંગ અજુપસિંગ પંજાબી ગાડી લે-વેચનો ધંધો કરતા હોવાનું જણાયું હતું. જેથી જુલાઈ 2025માં સન્નીભાઈએ તેમની કાર વેચવા માટે રવિસિંગને સોંપી હતી.
રવિસિંગે ગાડીના ₹ 4.50 લાખ કે તેથી વધુ અપાવવાની ખાતરી આપી હતી. આ વિશ્વાસ પર ફરિયાદીએ ગાડી ગેરેજ પર મૂકી હતી અને બીજા દિવસે રવિસિંગને ટી.ઓ. ફોર્મ પર સહી કરી આપી, ઓરિજિનલ આર.સી.બુક, આધાર કાર્ડની નકલ અને બે ઓરિજિનલ ચાવી સોંપી હતી.

