Gujarat

સેવા સંકલ્પ યાત્રા અભિયાન: વડનગરથી વારાણસી (૨૦૨૬)

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ શ્રી સંતરામ મંદિર, નડિયાદ ખાતે મહંતશ્રીના આશીર્વાદ લીધા

કમળા ચોકડી ખાતે રાષ્ટ્રનાદ અને જયઘોષ સાથે સંકલ્પ યાત્રાના બાઈકર્સનું ભવ્ય સ્વાગત

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ તેમજ તેમની રાષ્ટ્રસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘વડનગરથી વારાણસી’ સેવા સંકલ્પ યાત્રા યોજાઈ રહી છે. આ યાત્રા અંતર્ગત શુક્રવારે ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના કમળા ચોકડી ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં આવી પહોંચેલા બાઈકર્સનું ‘ભારત માતા કી જય’ના ગગનભેદી નારા સાથે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રીએ કમળા ચોકડી ખાતે સ્થિત છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. કમળા ખાતે અંબાજી પદયાત્રી સેવા મંડપ તથા સ્થાનિક અગ્રણીઓ દ્વારા રાષ્ટ્રનાદ સાથે સૌનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ સુપ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિરની મુલાકાત લીધી હતી. તેમણે યોગીરાજ શ્રી સંતરામ મહારાજના સમાધિ સ્થાને શીશ ઝુકાવી ભાવપૂર્વક પ્રાર્થના કરી હતી. આ સાથે જ તેમણે શ્રી રામ નારાયણ ભવન ખાતે પૂજ્ય નારાયણદાસ સ્વામીની સમાધિએ પણ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા અને મંદિરના મહંત શ્રી રામદાસજી મહારાજના ચરણસ્પર્શ કરી આશીર્વચન મેળવ્યા હતા.

નડિયાદના નગરજનોએ માર્ગો પર પવિત્ર જળ કળશ તેમજ પુષ્પવર્ષા સાથે સેવા સંકલ્પ યાત્રીઓનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું.

આ કાર્યક્રમમાં નડિયાદના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ, અગ્રણી શ્રી નયનાબેન પટેલ સહિતના પદાધિકારીઓ, આગેવાનો તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.