Gujarat

ગણપતિ બાપ્પા મોર્યાના નાદથી ગુંજી ઊઠ્યું સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં ગણેશ મહોત્સવના સમાપન પ્રસંગે ભક્તિ અને આસ્થાનો માહોલ જોવા મળ્યો. શહેરના વિવિધ વિસ્તારોમાંથી ગણપતિ બાપ્પાની વિસર્જન યાત્રાઓ નીકળી હતી. આ યાત્રાઓમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાતા સમગ્ર શહેરમાં ભક્તિમય વાતાવરણ છવાયું.

ખાસ કરીને સુરેન્દ્રનગરના વાદીપરાના રાજા ગણપતિ બાપ્પાના વિસર્જન પ્રસંગે ભક્તોનો ભારે ઉત્સાહ હતો. ઢોલ-નગારાના તાલ સાથે ભક્તોએ ‘ગણપતિ બાપ્પા મોર્યા’ અને ‘અગલે બરસ તું જલ્દી આના’ના નાદ કર્યા.

આ ધાર્મિક પ્રસંગે પરમ પૂજ્ય મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી કનીરામ બાપુ પણ જોડાયા. તેઓ દુધરેજ ખાતે આવેલા પ્રસિદ્ધ શ્રી વડવાળા મંદિર દુધરેજધામના મહંત અને રબારી સમાજના ધર્મગુરુ છે.

વિસર્જન યાત્રા દરમિયાન અનેક ભાવિકોની આંખોમાં બાપ્પાને વિદાય આપવાની લાગણી દેખાઈ. ભક્તોએ ગણપતિ બાપ્પાને શ્રદ્ધાપૂર્વક વિદાય આપી આગામી વર્ષે ફરી પધારવા પ્રાર્થના કરી.