Gujarat

વાવના અમુક ગામોમાં ખેડૂતોને કેનાલનું પાણી ન મળતા વિરોધ કર્યો અને હવે જાે પાણી નહીં મળે તો આમરણાંત ઉપવાસની ચીમકી

બનાસકાંઠાના વાવ ખાતેના અમુક ગામોમાં કેનાલનું પાણી ન મળતા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને હજી આગળ પણ પાણી નહીં મળે તો આમરણાંત ઉપવાસની ચીમકી પણ ઉચ્ચારી હતી.

વાવમાં ખાસ કરીને નાળોદર અને લોદરાણી ગામના ખેડૂતો પોતાની ખેતી માટે સિંચાઈનું પાણી મેળવવા અનોખા વિરોધ સાથે મેદાને આવ્યા છે. લોદરાણી માઇનોર નંબર ૨ કેનાલમાં લાંબા સમયથી પાણી ન છોડાતાં રોષે ભરાયેલા ખેડૂતોએ તંત્ર સામે હલ્લાબોલ કરી ન્યાયની માગ કરી છે.

પાણીની અછત મામલે ખેડૂતોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૪ બાદથી જ આ કેનાલના છેવાડાના આશરે દોઢ કિલોમીટર વિસ્તારમાં પાણી પહોંચ્યું જ નથી. કેનાલનો છેવાડાનો ભાગ ઊંચાણવાળો હોવાથી પાણી આગળ વધતું નથી અને ટેકનિકલ ખામીઓ કે સુધારા કરવા માટે તંત્રને વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી. વર્ષોથી સિંચાઈના પાણી વિના પાક નિષ્ફળ જતાં ખેડૂતોને આર્થિક પાયમાલી ભોગવવાનો વારો આવ્યો છે.

જાે સરકાર આ બાબતે કોઈ જ ર્નિણય નહીં લે તો ખેડૂતોની સ્થિતિ વધુ દયનીય બની જશે. શુક્રવારે ખેડૂતોએ કેનાલ ખાતે એકત્ર થઈ કેનાલમાં ઢોલ વગાડી અને તંત્ર અને સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે, જાે સરકાર વહેલી તકે ર્નિણય નહીં લે તો આગામી દિવસોમાં ખેડૂતોને આંદોલન કરવાની ફરજ પડશે.

સિંચાઈ વિભાગ અને તંત્રને જગાડવા માટે ખેડૂતોએ સૂકી ભટ્ઠ કેનાલની અંદર ઉતરીને ઢોલ વગાડીને અનોખો વિરોધ પ્રદર્શન કર્યો હતો. ખેડૂતોએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, વર્ષોથી પાણીથી વંચિત રહેલા આ વિસ્તારને જાે વહેલી તકે કેનાલનું પાણી પૂરતા પ્રમાણમાં પૂરું પાડવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં તમામ ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે આમરણાંત ઉપવાસ પર ઉતરશે.