જામનગર શહેરમાં મહાનગરપાલિકાની ફૂડ શાખાએ ૪૫-દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું. આ કાર્યવાહી ફૂડ શાખાના અધિકારી નિલેશ પી. જાસોલીયાની દેખરેખ હેઠળ કરવામાં આવી હતી.
ચેકિંગ દરમિયાન ‘ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ’ મોબાઈલ વાનથી દૂધના ૫૧ નમૂનાની પ્રાથમિક તપાસ કરાઈ હતી. તેમાંથી ૧૦ નમૂના વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલાયા છે. શંકાસ્પદ જણાતા લગભગ ૮૦ લીટર દૂધનો સ્થળ પર જ નાશ કરાયો હતો.

આ કામગીરીનો મુખ્ય હેતુ નાગરિકોને શુદ્ધ અને સારી ગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થો મળે તે સુનિશ્ચિત કરવાનો છે. દૂધ સહિતના ખાદ્ય પદાર્થોમાં ભેળસેળની આશંકાને કારણે તંત્રએ આ તપાસ હાથ ધરી હતી. લેબોરેટરીના રિપોર્ટ આવ્યા પછી આગળની કાર્યવાહી કરાશે.

