જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે આંગણવાડીનું મકાન અત્યંત જર્જરીત હાલતમાં ફેરવાઈ જતાં સ્થાનિક મહિલાઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે.
સુરક્ષા અને સુવિધાના અભાવે આક્રોશે ભરાયેલી મહિલાઓએ આંગણવાડીને તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો હતો અને જ્યાં સુધી નવું બિલ્ડિંગ ન બને ત્યાં સુધી બાળકોને આંગણવાડીએ નહીં મોકલવાનો નિર્ણય કર્યો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, આંગણવાડીનું મકાન જર્જરીત હોવા ઉપરાંત આસપાસ યોગ્ય સફાઈ થતી નથી. કમ્પાઉન્ડની આસપાસ વાડ અને ઝાડી-ઝાંખરા હોવાથી સાપ જેવા ઝેરી જીવજંતુઓનો સતત ભય રહે છે.
ઉપરાંત, રખડતાં શ્વાનોનો ત્રાસ હોવાથી બાળકોની સુરક્ષા સામે મોટા સવાલો ઊભા થયા છે. તાળાબંધી બાદ હાલ વાવડી ગામમાં આંગણવાડી સંપૂર્ણ બંધ છે અને માસૂમ બાળકો ઘરે જ રહેવા મજબૂર બન્યા છે.

