ગુજરાત ગૃહ વિભાગે પોલીસ અધિકારીઓને લગતાં બે અલગ જાહેરનામાં બહાર પાડ્યાં છે. એક જાહેરનામા હેઠળ IPS અધિકારી પ્રફુલ વી. વાણિયાની ખાલાલ ખાતેના કમાન્ડો ટ્રેનિંગ સેન્ટરમાં નિમણૂક કરવામાં આવી છે, જ્યારે બીજા જાહેરનામા મુજબ જૂનાગઢના માંગરોળ ડિવિઝનમાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષક (DySP) દિનેશ વી. કોઢિયાતરને વેઇટિંગ ફોર પોસ્ટિંગનો હુકમ હાલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ન-નાગરિક પુરવઠા વિભાગમાં પણ 13 અધિકારીઓને in situ બઢતી આપવામાં આવી છે.
SMCની બે રેડને લઈને ચર્ચા ગૃહ વિભાગના જાહેરનામા મુજબ, ક્લાસ-1 સંવર્ગના DySP દિનેશ વી. કોડીયાતર, જૂનાગઢના માંગરોળ ડિવિઝનમાં વિભાગીય પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવે છે. તેમની હાલની નિમણૂકની જગ્યાએથી બદલી કરીને પ્રતીક્ષા યાદીમાં મૂકવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે. જાહેરનામામાં અન્ય હુકમ ન થાય ત્યાં સુધી આ નિર્ણય અમલમાં રહેશે તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે. આ દરમિયાન કોઢિયાતરના કાર્યક્ષેત્રમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા બે વખત રેડ કરવામાં આવી હોવાની બાબતને આ નિર્ણય સાથે જોડીને ચર્ચા થઈ રહી છે. જોકે, ગૃહ વિભાગના જાહેરનામામાં બદલી કરીને વેઇટિંગ ફોર પોસ્ટિંગ રાખવા પાછળ SMCની રેડને કારણ તરીકે દર્શાવવામાં આવ્યું નથી. તેથી બંને બાબતો વચ્ચે સીધો સંબંધ હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
IPS પ્રફુલ વાણિયાની ખાલાલમાં નિમણૂક ગૃહ વિભાગના 9 ઓક્ટોબર, 2026ના જાહેરનામા અનુસાર, ગુજરાત કેડરના 2022 બેચના IPS અધિકારી પ્રફુલ વી. વાણિયાની ગાંધીનગર ખાતે સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ (ઇન્ટેલિજન્સ) તરીકેની ફરજમાંથી બદલી કરવામાં આવી છે. તેમને ખાલાલ ખાતે આવેલા કમાન્ડો ટ્રેનિંગ સેન્ટરમાં સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂક માટે કમાન્ડો ટ્રેનિંગ સેન્ટર, ખાલાલ ખાતે ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસની એક્સ-કેડર પોસ્ટને ડાઉનગ્રેડ કરીને સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસની પોસ્ટમાં ફેરવવામાં આવી છે.
બીજી તરફ, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગે પણ 13 અધિકારીઓની બઢતી આપવામાં આવી છે. આ ફેરફારમાં નિયામક, અન્ન અને નાગરિક પુરવઠા કચેરી, ગાંધીનગર; જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન; રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશન અને અમદાવાદ શહેરની અન્ન નિયંત્રણ શાખા સહિતની કચેરીઓનો સમાવેશ થાય છે. જાહેરનામા મુજબ, કીર્તિકુમાર જે. પરમારને સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં, નિર્મલ જે. પટેલ અને ધવલ એ. રાઠિયાને નિયામકની કચેરી, ગાંધીનગરમાં, રશ્મિ ચૌધરી પટેલને અમદાવાદ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં તથા અર્પણ એમ. કોટડિયાને રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં જવાબદારી સોંપવામાં આવી છે.

