Gujarat

MSME માટે 5 વર્ષનું પ્રોત્સાહન પેકેજ જાહેર

ગુજરાતમાં નાના અને મધ્યમ ઉદ્યોગોને વધુ મજબૂત બનાવવા માટે રાજ્ય સરકારે ‘વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ-2026’ હેઠળ MSME માટે નવી સહાય યોજના જાહેર કરી છે. આ યોજના હેઠળ ઉદ્યોગોને મૂડી રોકાણ, બેંક લોનના વ્યાજ, વીજળી, ટેક્નોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), પેટન્ટ, રોજગાર અને ગુણવત્તા પ્રમાણપત્ર સહિતના વિવિધ ક્ષેત્રોમાં નાણાકીય સહાય મળશે. 1 જૂન, 2026થી અમલી બનેલી આ યોજના 31 મે, 2031 સુધી પાંચ વર્ષ માટે લાગુ રહેશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને ઉદ્યોગ-ખાણ વિભાગનો હવાલો ધરાવતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ જાહેર કરાયેલી આ યોજનાનો હેતુ ગુજરાતના MSME ક્ષેત્રને નાણાકીય રીતે મજબૂત બનાવવાની સાથે આધુનિક ટેક્નોલોજી અપનાવવા અને વૈશ્વિક બજારમાં સ્પર્ધા કરવા સક્ષમ બનાવવાનો છે.

મૂડી રોકાણ પર 45% સુધી સહાય, વ્યાજમાં પણ રાહત યોજના હેઠળ ઉદ્યોગોને તાલુકાની કેટેગરી અને ઉદ્યોગના પ્રકાર પ્રમાણે મૂડી રોકાણ પર સહાય મળશે. કેટેગરી-Aમાં સંયુક્ત પ્રોત્સાહનની મહત્તમ મર્યાદા પાત્ર સ્થિર મૂડી રોકાણના 45% અને કેટેગરી-Bમાં 35% સુધી રહેશે. પસંદગીના થ્રસ્ટ સેક્ટર્સ માટે આ મર્યાદા અનુક્રમે 50% અને 45% સુધી છે.